<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

રશિયાએ કિવ પર હુમલો કરતા ઝેલેંસ્કીએ આફ્રિકાનો પ્રવાસ ટુંકાવ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: રશિયાએ કિવ પર વિનાશક હુમલો કરતા ૯ લોકોના મોત થયા છે આ હુમલાના કારણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમેર ઝેલેંસ્કી પોતાનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ટુંકાવીને કિવ પાછા ફરી રહયા છે. દક્ષિણ આફ્રિકા બ્રિકસ સાથે જોડાયેલો મહત્વનો સભ્ય દેશ છે. ઝેલેંસ્કીએ પોતાની ટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાને મળીને યુક્રેન પાછા ફરશે. ઝેલેંસ્કીના આ નિવેદન પહેલા યુક્રેની અધિકારીઓને જણાવ્યા અનુસાર બુધવારની રાત્રિએ કીવ અને ખારકિવમાં રશિયાએ મિસાઇલો અને ડ્રોન્સની મદદથી વિનાશક હુમલો કર્યો હતો. બંને શહેરોની આંતર માળખાકિય સુવિધાને હુમલાથી ભારે નુકસાન થયું છે. યુક્રેનની સરકારી ઇમરજન્સી સેવાએ પણ કમસેકમ ૯ લોકોના મોત અને ૬૩ ઘાયલ થયા હોવાની પુષ્ટી કરી છે. નવાઇની વાતતો એ છે કે રશિયાનો હુમલો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રશિયા તરફી નિવેદન બાદ થયો છે. વાઇટ હાઉસમાં સંવાદદાતાઓ સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે રશિયા શાંતિ સમજૂતી માટે તૈયાર જણાય છે પરંતુ પરંતુ ઝેલેંસ્કી જ આનાકાની કરે છે. મને લાગતું હતું કે ઝેલેંસ્કી સાથે ડીલ કરવી ઘણી આસાન હશે પરંતુ અત્યાર સુધી ખૂબજ કઠીન સાબીત થઇ રહયું છે. ટ્રમ્પના આ નિવેદનને રશિયાએ ગણતરીની મિનિટોમાં ખોટું પાડીને કિવ પર હુમલો કરતા બંને નેતાઓ વચ્ચેનો વિરોધાભાસ બહાર આવ્યો છે.રાષ્ટ્રપતિની ચુંટણીના પ્રચાર અભિયાન દરમિયાન ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહેતા હતા કે યુક્રેન યુધ્ધ ૨૪ કલાકમાં અટકાવી દેશે પરંતુ પદ સંભાળ્યાને ૩ મહિના થયા છતાં ટ્રમ્પ કોઇ ઉકેલ લાવી શકયા નથી.

 

(5:57 PM IST)