તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st May 2025
ફ્રાંસમાં 30 હજાર વર્ષ જૂની 1.6કિમીની લંબાઈ ધરાવતી અનોખી પ્રાચીન ગુફા મળી આવી

નવી દિલ્હી: દક્ષિણ પશ્ચિમી ફ્રાંસની એક ગુફામાં ૩૦૦૦૦ વર્ષ પહેલા માનવીઓ રહેતા હતા. ગુફાની દીવાલો પર ઘોડા,મેમથ અને ગેંડાઓની આકૃતિઓ પણ દોરવામાં આવી છે. આમ તો વર્ષ ૨૦૦૦માં એક સંશોધકે પ્રથમ વાર આ ગુફાની શોધ કરી હતી. દોદોન્ય કયૂસાચ નામની આ ગુફામાં જોવા મળતા પ્રાચીન માનવ અવશેષો, ખૂબ સમય પહેલા લૂપ્ત થયેલા રીંછની નિશાનીઓ અને અહીંયાની નાજુક કલાકૃતિઓ હેરત પમાડે તેવી છે. આ કલાકૃતિઓને સંરક્ષિત રાખવા માટે ખૂબ મહેનત કરવામાં આવી છે. ફ્રાંસના ઓફિસર્સ કોઇને આ પ્રાચીન ગુફામાં જવાની મંજુરી આપતા નથી. માત્ર રિસર્ચ માટે વર્ષમાં માત્ર ચાર અઠવાડિયા એટલે કે એક મહિનાની જ મંજુરી મળે છે. ગુફાની શોધ થઇ પછી પ્રથમવાર જ એક આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાની ટીમને વૈજ્ઞાનિકો સાથે જવાની પરવાનગી આપવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક કક્ષોની અંદર સંશોધકોને ૬ માનવ શરીરના અવશેષ મળ્યા હતા. માનવ અવશેષોના કાળ પણ દીવાલો પર ઘોડા, મેમથ અને ગેંડાઓની આકૃતિઓના સમય જેટલો છે. અત્યાર સુધી મળી આવેલી ગુફાઓમાં આ પ્રથમ એવી ગુફા છે જેનો પ્રાગેતિહાસિક કાળમાં માણસોને દફનાવવાની સાથે કળાકૃતિઓના સર્જન માટે પણ ઉપયોગ થતો હતો. પ્રાગેતિહાસિક કાળની આ લાંબી ગુફામાં હજુ અનેક રહસ્યો બહાર આવવાના બાકી છે. પ્રવેશદ્વારમાં પહોંચવાની સાથે જ સમગ્ર મુલાકાતી ટીમને સફેદ રંગના સુરક્ષાત્મક કપડા પહેરાવવામાં આવ્યા હતા. માથા પર ટોપી અને હાથમાં ગ્લોવ્ઝ ઉપરાંત પગરખાના સોલને પણ કીટાણુરહિત કરવામાં આવ્યા હતા. અગાઉ ફ્રાંસની બીજી એક મશહૂર ગુફા લાસ્કુમાં પ્રવાસીઓના પ્રવેશથી સુક્ષ્મજીવોને ભારે નુકસાન થયું હતું.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
