<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

ઓએમજી...સેંકડો વખત ઝેરીલો સાપ કરડ્યો હોવા છતાં પણ આ વ્યક્તિને કાંઈ ન થતા વિજ્ઞાનિકોએ રિસર્ચ કરવા લગાવી દોડ

નવી દિલ્હી: અમેરિકામાં ટિમ ફ્રીડે નામના વ્યક્તિને સેંકડો વખત ઝેરીલો સાપ કરડ્યો છે અને ઘણી વખત તેણે આ કામ જાણી જોઈને કરાવ્યું છે. હવે વિજ્ઞાનીઓ તેના લોહીનું રિસર્ચ કરી રહ્યા છે, જેથી સાપના ડંખ માટે વધુ સારી સારવાર શોધી શકાય. ફ્રીડેને બાળપણથી જ સાપ અને ઝેરી પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. તેણે પોતાના વિસ્કોન્સિનના ઘરમાં ડઝનબંધ સાપ રાખ્યા હતા અને વીંછી અને કરોળિયામાંથી ઝેર કાઢતો હતો. સાપના કરડવાથી બચવા અને જિજ્ઞાસાના કારણે તેણે ખુદને સાપના ઝેરના નાના ડોઝ આપવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ડોઝ વધારીને તેણે ઝેર સહન કરવાની શક્તિ પોતાના શરીરમાં વધારી અને પછી તેણે ખુદને સાપ દ્વારા ડંખ મરાવવાનું શરૂ કર્યું. ફ્રીડેએ જણાવ્યું કે, પહેલા મને ખૂબ ડર લાગતો હતો, પણ જેટલું કરતો ગયો તેટલું સરળ બનતું ગયું.' કોઈ ડૉક્ટર કે નિષ્ણાત તેને યોગ્ય નથી માનતા, પરંતુ તેનું કહેવું છે કે, આ પદ્ધતિ શરીરની કાર્ય કરવાની રીત સાથે મેળ ખાય છે. જ્યારે શરીરને થોડી માત્રામાં ઝેરનો સામનો કરવો પડે છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિ એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે જે ઝેરને બેઅસર કરી દે છે. જે ઝહેરનો અનુભવ શરીરને પહેલાથી હોય છે, તે તેનો સરળતાથી સામનો કરી શકે છે. ફ્રીડે 18 વર્ષથી સાપના ઝેરનો ડોઝ લઈ રહ્યો છે, અને તેના ફ્રીઝમાં ઝેર ભરેલું રહે છે. યુટ્યુબ વિડીયોમાં તેના બ્લેક મામ્બા, તાઈપન અને વોટર કોબ્રાના કરડવાથી તેના હાથ સૂજેલા નજર આવી રહ્યા છે. 

ટિમ ફ્રીડે કહ્યું કે, હું મોતના મોઢામાંથી પાછો આવવા માગતો હતો. ફ્રીડેએ વિજ્ઞાનીઓને ઈમેઇલ કરીને પોતાના લોહીનું પરીક્ષણ કરવા વિનંતી કરી. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે દર વર્ષે 1,10,000 લોકો સાપના કરડવાથી મૃત્યુ પામે છે. એન્ટિવેનમ બનાવવું ખર્ચાળ અને મુશ્કેલ છે. તે ઘોડા જેવા મોટા પ્રાણીઓને ઝેર આપીને બનાવવામાં આવે છે, જે માત્ર કેટલાક સાપના ઝેર પર જ કામ કરે છે અને ક્યારેક-ક્યારેક નુકસાન પણ પહોંચાડે છે. કોલંબિયા યુનિવર્સિટીના પીટર ક્વોંગને ફ્રીડ વિશે સાંભળીને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે, 'આ અસાધારણ છે.' 18 વર્ષમાં ફ્રીડે અનોખી એન્ટિબોડીઝ બનાવી છે.

(5:46 PM IST)