<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

સાઉદી અરેબિયામાં હવે દારૂના વેચાણની મળી છુટ

નવી દિલ્હી: વિશ્વભરમાં સૌથી વધુ ચા અને દારૂનું સેવન થાય છે. દારૂનો ધંધો એટલો મોટો છે કે તે ઘણાં નાના દેશોના GDP જેટલો છે. આનો અર્થ એ થયો કે દર વર્ષે દારૂમાંથી અબજો રૂપિયાની કમાણી થાય છે. જો કે, કેટલાક દેશો એવા છે જ્યાં દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. અને ત્યાં દારૂના સેવન કે વેચાણ બદલ કડક સજાની જોગવાઈ પણ છે. મોટાભાગના ઈસ્લામિક દેશોમાં આવા નિયમો બનાવવામાં આવ્યા છે. હવે આવા જ એક મુસ્લિમ દેશે દારૂ પરનો પ્રતિબંધ હટાવવાનો મોટો નિર્ણય લીધો છે. હવે સાઉદી અરેબિયાએ લગભગ 73 વર્ષ બાદ દારૂ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ એક મોટો નિર્ણય ગણાવાઈ રહ્યો છે. સાઉદી સતત પોતાના કડક કાયદામાં ફેરફાર કરી રહ્યું છે અને પ્રવાસનને કમાણીની મોટી તક બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ નિર્ણય પણ આ ક્રમમાં લેવામાં આવ્યો છે. જો કે, સાઉદીના લોકો માટે હજુ પણ દારૂ સામે પ્રતિબંધ રહેશે. હવે જો તમે એવું વિચારી રહ્યા છો કે, ભારત કે અન્ય કોઈ દેશની જેમ સાઉદીમાં પણ તમે દારૂની દુકાનમાં જઈને દારૂ ખરીદી શકો છો તો તમે ખોટા છો. વાસ્તવમાં આ વ્યવસ્થા અહીં માત્ર ટુરિસ્ટ માટે જ કરવામાં આવી છે. ઘરમાં દારૂ રાખવા અને બજારમાં વેચવા સામે હજુ પણ પ્રતિબંધ છે. તેના માટે લાઈસન્સ આપવામાં આવશે, જેથી મોટા ટુરિઝમ પ્રોજેક્ટ્સમાં દારૂ પીરસવામાં આવી શકે છે. એનો અર્થ એ કે જો તમે કોઈપણ વિદેશી દેશમાંથી સાઉદી જાઓ છો, તો તમને દારૂ પીવા માટે મળી શકે છે.

 

 

(6:53 PM IST)