News of Wednesday, 28th May 2025
કોરોનાના કારણોસર છેલ્લા 1 મહિનામાં દુનિયામાં થયા 2800થી વધુ લોકોના મૃત્યુ

નવી દિલ્હી: દક્ષિણ એશિયામાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં છેલ્લા એક સપ્તાહમાં જ કોરોનાના કેસ અંદાજે 700 જેટલા વધીને 1000થી વધુ થઈ ગયા છે ત્યારે અમેરિકામાં કોરોના વાયરસથી પ્રત્યેક સપ્તાહે ૩૫૦થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે તેમ અમેરિકાના સેન્ટર્સ ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સન વિભાગે જણાવ્યું હતું. બીજીબાજુ વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ દાવો કર્યો છે કે દુનિયામાં ૨૮ દિવસમાં કોરોનાથી 2861 લોકોનાં મોત નીપજ્યાં છે.
અમેરિકાના સેન્ટર્સ ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી) વિભાગના જણાવ્યા મુજબ કોરોના વાયરસથી ગયા મહિને પ્રત્યેક સપ્તાહે સરેરાશ 350 લોકોનાં મોત નીપજ્યાં હતા. ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં નર્સિંગ લિડરશિપના પ્રોફેસર સીન ક્લાર્કે કહ્યું કે, કોરોના હવે વૈશ્વિક મહામારી નથી રહ્યો, પરંતુ તે હજુ પણ જીવલેણ છે. વર્ષ 2020થી અત્યાર સુધીમાં દુનિયામાં કોરોનાથી 70 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે તેમ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થાએ મે 5, 2023ના રોજથી કોરોનાને વૈશ્વિક મહામારી ગણાવવાનું બંધ કરી દીધું છે. જોકે, હૂએ જણાવ્યું હતું કે, છેલ્લા 28 દિવસમાં કોવિડ-19 થી અમેરિકામાં 2100 સહિત 2861 લોકોનાં મોત થયા છે. છેલ્લા કેટલાક સમયમાં કોરોના પીડિત દર્દીઓનું હોસ્પિટલમાં દાખલ થવાનું અને ઈમર્જન્સી વિભાગની મુલાકાતોનું પ્રમાણ વધી ગયું છે. ડયુક યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના પ્રોફેસર ડૉ. ટોની મૂડીએ જણાવ્યું કે, હકીકત એ છે કે આપણે હજુ પણ કોરોનાથી મોત થતાં હોવાનું જોઈ રહ્યા છીએ. એનો અર્થ એ છે કે કોરોના વાયરસ હજુ પણ ફેલાઈ રહ્યો છે અને લોકો તેના સંપર્કમાં આવી રહ્યા છે.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
