<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

ઇઝરાયલે ગાઝામાં ભૂખ્યા નાગરિકો પર પણ કર્યો તોપમારો:31ના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: ઇઝરાયેલ હમાસના આતંકીઓના નામે ગાઝામાં નિર્દોષ નાગરિકોની હત્યા કરી રહ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. ભુખમરાનો સામનો કરી રહેલા નાગરિકોની હત્યાકાંડનો મામલો સામે આવ્યો છે. ગાઝામાં નાગરિકો વિતરણ કેન્દ્ર પર ભોજન લેવા જઇ રહ્યા હતા ત્યારે તેના પર ઇઝરાયેલ સૈન્ય દ્વારા બેફામ ગોળીબાર કરાયો હતો. જેને પગલે પેલેસ્ટાઇનના ૩૧ નાગરિકો માર્યા ગયા હતા. આ ગોળીબાર ચારેય બાજુથી કરાયો હતો કે જેથી મોટી સંખ્યામાં જાનહાની થઇ શકે. આ ઘટના બાદ હવે ઇઝરાયેલ દ્વારા ગાઝામાં આતંકી સંગઠન હમાસના નામે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે ઇઝરાયેલના સૈન્ય દ્વારા પેલેસ્ટાઇનના નાગરિકો પર બેફામ ગોળીબાર કરાયો હતો જેમાં ૩૧ના મોત થયા છે જ્યારે ૧૭૦ લોકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રેડ ક્રોસ દ્વારા સંચાલિત હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતું કે ૨૧ લોકો માર્યા ગયા છે જ્યારે ૧૭૫ લોકો ઘવાયા છે. જોકે જાનહાનીનું કારણ આપવાની હોસ્પિટલે ના પાડી દીધી હતી. હોસ્પિટલમાં અનેક ઘાયલોની સારવાર ચાલી રહી હોવાનો દાવો સ્થાનિક રિપોર્ટરો દ્વારા પણ કરાયો હતો. ગાઝામાં આવતા માલ સામાનને ઇઝરાયેલે રોકી રાખ્યો છે, જેને પગલે ગાઝામાં ભુખમરાની સ્થિતિ છે, એવામાં સામાજિક સંસ્થાઓ દ્વારા લોકોને મફત ભોજન માટે કિચન ખોલાયા છે. આવા જ એક સ્ટોલ પર લોકો જ્યારે ભોજન લેવા જઇ રહ્યા હતા ત્યારે તેમના પર ઇઝરાયેલ દ્વારા ગોળીબાર કરાયો હતો. આ લોકોમાં સામેલ એક સ્થાનિક નાગરિક અમર અબુ તૈયબે કહ્યું હતું કે ચારેય તરફથી ગોળીબાર થઇ રહ્યો હતો, નેવી યુદ્ધ જહાજમાંથી, સૈન્ય ટેન્ક અને ડ્રોન દ્વારા હુમલા કરી રહ્યું હતું. મે ખુદ ગોળીબારથી માર્યા ગયેલા ૧૦ લોકોના મૃતદેહ જોયા છે. અન્ય એક સ્થાનિક યુવક મોહમ્મદ અબુએ કહ્યું હતું કે ભોજન વહેચાઇ રહ્યું હતું ત્યા અમે જઇ રહ્યા હતા ત્યારે જ ઇઝરાયેલ સૈન્ય દ્વારા બેફામ ગોળીબાર કરાયો હતો જેમાં મારો ભાઇ માર્યો ગયો હતો. મારા ભાઇને છાતીમાં ગોળી મરાઇ હતી જેથી તે સ્થળ પર જ માર્યો ગયો હતો. મારો અન્ય એક સાળો આ બેફામ ગોળીબારમાં ઘાયલ થયો છે.

 

 

(5:22 PM IST)