<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

રશિયાના ચાર એરબેઝ પર યુક્રેનનો સૌથી મોટો ડ્રોન હુમલો થતા:40 વિમાનો થયા નષ્ટ

નવી દિલ્હી: યુક્રેને 'ઓપરેશન સ્પાઇડરવેબ' હેઠળ ખુબ ચાલાકીથી રશિયાના એરબેઝ પર હુમલો કર્યો, અને બોમ્બ વરસાવતા વિમાનોને નષ્ટ કરી દીધા. રશિયાને આ હુમલામાં 200 કરોડ ડોલરનું નુકસાન થયું છે. આ હુમલાનું પ્લાનિંગ એક-દોઢ વર્ષથી કરાયું, અને પછી સટીકતાથી તેને અંજામ અપાયો. ટ્રકોથી લોન્ચ કરાયેલા ડ્રોનથી ઓલેન્યા અને બેલાયા સહિતના 4 રશિયન એરબેઝ પર હુમલા કર્યા હતા. હુમલા બાદ અનેક રશિયન વિમાનો બળીને ખાક થયા. એરબેઝ પર મોટું નુકસાન થયું છે. યુક્રેનના ડ્રોન હુમલામાં 40થી વધુ વિમાનોને નુકસાન થયું. હુમલાના વીડિયો ફુટેજ સામે આવ્યા છે. યુક્રેની મીડિયા રિપોર્ટ્સના અનુસાર, આ હુમલો યુક્રેની સેનાનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો હતો. યુક્રેને ખાસ કરીને તે બેઝને નિશાન બનાવ્યા છે, જેનો ઉપયોગ રશિયા તેના પર બોમ્બ વરસાવવા માટે કરી રહ્યું હતું. યુક્રેનનું કહેવું છે કે, આ એ જ વિમાન છે જે યુક્રેન પર વારંવાર ઉડાન ભરે છે અને બોમ્બ ફેંકે છે. બીજી તરફ રશિયાના સંરક્ષણ મંત્રાલયે હુમલાની પુષ્ટિ કરી છે. રશિયાએ કહ્યું કે, તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે. યુક્રેનની સુરક્ષા સેવા (SBU)ના એક અધિકારીએ જણાવ્યું કે, તેના ડ્રોન રશિયન વિસ્તારમાં દૂર સુધી જઈને મોટા બોમ્બર્સ વિમાનો જેવા કે Tu-95, Tu-22 અને મોંઘા A-50 જાસૂસી વિમાનને નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યા.

 

(5:22 PM IST)