<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

અમેરિકાના લોસ એન્જલ્સમાં લોકો-સુરક્ષાદળો આવ્યા સામસામે :જાણો શું છે કારણ

નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળી ત્યારથી જ ગેરકાયદે વસાહતીઓ સામે આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ ટ્રમ્પ સરકારની કાર્યવાહીના વિરોધમાં કેલિફોર્નિયામાં સ્થાનિક લોકો અને સુરક્ષા ગાર્ડ સામ-સામે આવી ગયા છે. કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં ઈમિગ્રેશન વિભાગના દરોડાના વિરોધમાં સતત બીજા દિવસે દેખાવો થયા હતા. જોકે, લોસ એન્જલસમાં આ દેખાવો હિંસક બન્યા હતા અને અનેક સ્થળો પર ઉકળતો ચરુ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દેખાવોના વિરોધમાં પ્રમુખ ટ્રમ્પે કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમના વિરોધ છતાં લોસ એન્જલસમાં 2000થી વધુ કેલિફોર્નિયા નેશનલ ગાર્ડના દળો ઉતાર્યા હતા. બીજી બાજુ ટ્રમ્પે લોકોને માસ્ક પહેરી ચહેરો છુપાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. લોસ એન્જલસમાં ઈમિગ્રેશન નીતિ વિરુદ્ધ લોકોના દેખાવોને જોતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ ગાર્ડ્સની તૈનાતી કરી હતી. લોસ એન્જલસમાં ઈમિગ્રેશન વિભાગની કાર્યવાહીનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ગેરકાયદે વસાહતીઓ સામે ઈમિગ્રેશન વિભાગની કાર્યવાહીના વિરોધમાં અનેક જગ્યાએ હિંસા ભડકી છે. બીજીબાજુ ટ્રમ્પે નેશનલ ગાર્ડ્સની પ્રશંસા કરી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કહ્યું કે, લોસ એન્જલસમાં બે દિવસથી હિંસા, અથડામણો અને અશાંતિ પછી નેશનલ ગાર્ડે શાનદાર કામ કર્યું છે. આપણી પાસે એક અક્ષમ ગવર્નર અને મેયર છે, જે હંમેશાની જેમ કામ સંભાળવામાં અસમર્થ હતા. લોકોને ઉશ્કેરનારા અને નાણાં લઈને ભાંગફોડ કરનારા તત્વો દ્વારા કરાયેલા આ ડાબેરી વિરોધ પ્રદર્શનોને જરા પણ સાંખી નહીં લેવાય. પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી કે હવેથી વિરોધ પ્રદર્શનોમાં માસ્ક પહેરવાની મંજૂરી નહીં અપાય. આ લોકો પાસે છુપાવવા માટે શું છે અને શા માટે છે?

 

(5:13 PM IST)