તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
યુએઈમાં કાયમી વસાહટની મળી સુવર્ણ તક
જાણો શું છે ગોલ્ડન વિઝા પ્રક્રિયા:નિશ્ચિત ફી ચૂકવીને યુએઈમાં આજીવન રહેવું બનશે સરળ

નવી દિલ્હી UAEમાં જીવનભર રહેવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર છે. યુએઈ સરકારે નોમિનેશન આધારિત ગોલ્ડન વિઝા યોજના જાહેર કરી છે, જે અંતર્ગત લાયકાત ધરાવતા ભારતીયો નિશ્ચિત ફી ચૂકવીને યુએઈમાં આજીવન રહી શકશે. વળી, આ માટે કોઈ પણ મિલકત કે વ્યવસાયમાં રોકાણ પણ કરવું નહીં પડે. નોમિનેશન આધારિત વિઝાનો અર્થ જ એ થાય છે કે વ્યક્તિની પસંદગી અથવા નામાંકન નાણાકીય રોકાણને બદલે યોગ્યતાના આધારે કરવામાં આવે. આ પ્રકારના વિઝામાં મિલકત ખરીદવાની કે વ્યવસાયમાં રોકાણ કરવાની જરૂર હોતી નથી.
અત્યારે સુધી યુએઈના ગોલ્ડન વિઝા મેળવવા માટે લગભગ રૂ. 4.66 કરોડનું રોકાણ ફરજિયાત હતું. નવી યોજનામાં એ જરૂરી નથી. હવે ફક્ત રૂ. 23.30 લાખ (1 લાખ દિરહામ) ચૂકવીને ગોલ્ડન વિઝા મેળવી શકાશે. આ રકમ એકસાથે ચૂકવવાની રહેશે. આ સ્કીમ ખાસ કરીને સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક, વ્યવસાયિક અને આર્થિક ક્ષેત્રમાં યોગદાન આપતાં લોકો માટે છે. ગોલ્ડન વિઝાને લીધે વિજ્ઞાનીઓ, શિક્ષકો, યુનિવર્સિટી ફેકલ્ટી, 15થી વધુ વર્ષનો અનુભવ ધરાવતી નર્સ, યુ- ટ્યુબર્સ, પોડકાસ્ટર્સ, ડિજિટલ સર્જકો, 25 વર્ષથી વધુ ઉંમરના માન્યતા પ્રાપ્ત ઇ- સ્પોર્ટ્સ વ્યાવસાયિકો માટે યુએઈના દરવાજા ખુલી ગયા છે.
આ યોજના હેઠળ પહેલા તબક્કામાં અંદાજે 5,000 ભારતીયો ગોલ્ડન વિઝા માટે અરજી કરશે એવી UAE ની ગણતરી છે. વિઝા મેળવનારાની પસંદગી અનુભવ, પ્રતિષ્ઠા અને યોગદાનના આધારે કરાશે. ભારતમાંથી આવેલી અરજીઓ પૈકી યોગ્ય અરજદારની પસંદગી કરવા માટેનું કામ રાયદ ગ્રૂપ કન્સલ્ટન્સીને સોંપાયું છે, જે અરજદારની પૃષ્ઠભૂમિ ચકાસણીમાં મની લોન્ડરિંગ વિરોધી તપાસ, ગુનાઈત ઇતિહાસ અને સોશિયલ મીડિયા વ્યવહારની પણ સમીક્ષા કરશે. જો અરજદાર યુએઈની સંસ્કૃતિ, વેપાર, વિજ્ઞાન, સ્ટાર્ટ- અપ્સ, વ્યાવસાયિક સેવા જેવા ક્ષેત્રે કંઈ ખાસ યોગદાન આપી શકે એમ લાગશે, તો કન્સલ્ટન્સી તેને નામાંકિત કરશે. વિઝા આપવાનો અંતિમ નિર્ણય યુએઈ સરકાર દ્વારા લેવાશે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
