તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th July 2025
બ્રિટનમાં આઇવીએફ ટેકનિક ન્યુ કેસલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા નવી ટેક્નિકથી આઠ બાળકોને ગંભીર આનુવંશિક બિમારીઓમાંથી બચાવવામાં આવ્યા
આ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિક:પિતાના ડીએનએને સુરક્ષિત રાખી માતાના ખરાબ માઇટોકોન્ડ્રીયાને દૂર કરવામાં આવે છે:આનુવંશિક બિમારી થવાનું જોખમ હતું તેવી ૨૨ મહિલાઓ પર આ ટેકનિક અજમાવવામાં આવી:આઠ મહિલાઓએ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો હતો

નવી દિલ્હી: અસાધ્ય રોગો થવાની સંભાવના ધરાવતાં સંતાનોને માતાની ગંભીર બિમારીઓ વારસામાં ન મળે તે માટે ત્રણ માતાપિતા ધરાવતી એક આઇવીએફ ટેકનિક ન્યુ કેસલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા વિકસાવવામાં આવી હોવાનું ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત લેખમાં જણાવવામાં આવ્યું છે. આ ટેકનિક દ્વારા આઠ બાળકોને ગંભીર આનુવંશિક બિમારીઓમાંથી બચાવવામાં આવ્યા છે. આ નવી આઇવીએફ એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિકમાં પિતાના ડીએનએને સુરક્ષિત રાખી માતાના ખરાબ માઇટોકોન્ડ્રીયાને દૂર કરવામાં આવે છે. માઇટોકોન્ડ્રીયા કોશિકાઓનેૈ ઉર્જાના કારખાના ગણવામાં આવે છે. જો તેમાં ખરાબી હોય તો લિવર, મસ્તક, હ્ય્દય, માંસપેશીઓ અને કિડની જેવી ઉર્જા વાપરનારાં અંગોને અસર થઇ શકે છે.
આ પ્રક્રિયામાં પહેલાં માતાના અંડને પિતાના શુક્રાણુઓથી ફલિત કરવામાં આવે છે. આ ફલિત થયેલાં અંડને બહાર કાઢી તેને દાન કરનારના ફલિત અંડમાં આરોપિત કરવામાં આવે છે. જેમાં પહેલેથી આ હિસ્સાને બહાર કાઢી લેવામાં આવ્યો હોય છે. હવે આ અંડકોશ સ્વસ્થ માઇટોકોન્ડ્રીયા અને માતાપિતાના ડીએનએ સાથે વિક્સિત થાય છે. આ રીતે માતાના ખરાબ માઇટોકોન્ડ્રીયલ ડીએનએને સ્વસ્થ ડીએનએમાં ફેરવી નાંખવામાં આવે છે.
જેમને આનુવંશિક બિમારી થવાનું જોખમ હતું તેવી ૨૨ મહિલાઓ પર આ ટેકનિક અજમાવવામાં આવી હતી. તેમાંથી આઠ મહિલાઓએ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં ચાર છોકરાં અને ચાર છોકરીઓ છે. તેમની ઉંમર હાલ છ મહિનાથી માંડી બે વર્ષ સુધીની છે. એક મહિલા હજી ગર્ભવતી છે. છ બાળકોની માતામાં ખરાબ માઇટોકોન્ડ્રીયલ ડીએનએનું પ્રમાણ ૯૫થી ૧૦૦ ટકા ઓછું હતું તો બે માતાઓમાં તેનું પ્રમાણ ૭૭થી ૮૮ ટકા ઓછું જણાયું હતું. આ તમામ આઠ બાળકો જન્મથી જ સ્વસ્થ છે અને તેમનો વિકાસ સામાન્ય છે.
માઇટોકોન્ડ્રીયલ બિમારીઓ દર પાંચ હજારે એક બાળકને અસર કરે છે. આ બિમારીઓ માતા તરફથી સંતાનને વારસામાં મળે છે. જેનો ઇલાજ સંભવ નથી. આ બિમારીઓને કારણે માંસપેશીઓ નબળી પડવી, નજર નબળી હોવી, ડાયાબિટિસ અને અંગો કામ ન કરે તેવી સમસ્યાઓ થાય છે. સામાન્ય રીતે આઇવીએફમાં ડોક્ટર જોખમકારક અંડોને અલગ તારવી શકે છે પણ જો તમામ અંડમાં ખરાબી હોય તો આ નવી ટકનિક અજમાવવી પડે છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
