તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
નવીનતમ ચુંબકીય લેવિટેશન ટેક્નોલોજીથી રેલવે મુસાફરીમાં ક્રાંતિ લાવી રહ્યું છે ચીન
ચીનમાં 17માં મોડર્ન રેલવે પ્રદર્શન ખાતે આ ટ્રેન ખુલ્લી મુકવામાં આવી:આ સુપરફાસ્ટ ટ્રેન માત્ર સાત સેકેન્ડમાં શૂન્યથી 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે

નવી દિલ્હી: ચીન પ્રતિ કલાક ૬૦૦ કિ.મી. સુધીની ગતિ માટે સક્ષમ નવીનતમ ચુંબકીય લેવિટેશન (મેગલેવ) ટેકનોલોજીથી રેલ્વે મુસાફરીમાં ક્રાંતિ લાવી રહ્યું છે. ૧૭માં મોડર્ન રેલવે પ્રદર્શન ખાતે ખુલ્લી મુકાયેલી આ સુપરફાસ્ટ ટ્રેન માત્ર સાત સેકન્ડમાં શૂન્યથી ૬૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે, જેનાથી હાલ બેઈજિંગથી શાંઘાઈની સાડાપાંચ કલાકની મુસાફરી માત્ર અઢી કલાકમાં થઈ શકે. આ ઝડપ કોઈપણ કમર્શિયલ ફ્લાઈટ કરતા વધુ છે. ઉપરાંત આ ટ્રેન ડ્રાઈવર રહિત હશે.
મેગલેવ ટેકનોલોજીમાં ટ્રેનને ટ્રેકથી ઊંચે લાવવા વિરોધી ચૂંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરે છે જેના પરિણામે ટ્રેન અને ટ્રેક વચ્ચે કોઈ ઘર્ષણ નથી થતું. પરિણામે પરંપરાગત રેલવે પદ્ધતિની સરખામણીએ શાંત, સરળ અને ઝડપી ગતિ મળે છે. હુબેઈ પ્રાંતમાં ડોન્ઘુ લેબોરેટરી ખાતે જૂન મહિનામાં થયેલી ટ્રાયલમાં ૧.૧ ટન મેગલેવ પ્રોટોટાઈપે ૧,૯૬૮ ફીટના ટ્રેક પર સાત સેકન્ડથી ઓછા સમયમાં ૬૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી હતી. નોંધનીય છે કે અગાઉ ૨૦૨૩માં વેક્યુમ ટયુબમાં થયેલી ચકાસણી મેગલેવ ટ્રેને પેસેન્જર જેટ સમાન ૬૨૦ કિલોમીટરની ઝડપ હાંસલ કરી હતી .
આ પ્રગતિઓ ઉચ્ચ-તાપમાનના સુપરકન્ડક્ટિંગ લેવિટેશન દ્વારા શક્ય બનાવવામાં આવી છે, જે લગભગ ઘર્ષણ વિનાની અને અવાજરહિત મુસાફરી સંભવ બનાવે છે. ડોન્ઘુ લેબોરેટરીના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ૨૦૨૫ ના અંત સુધીમાં સંપૂર્ણ હાઈ-સ્પીડ ટ્રેક પૂર્ણ થવાની અપેક્ષા હોવાથી આ ટેકનોલોજીની ક્ષમતા અપાર છે. શરૂઆતમાં આ ટ્રેનો માત્ર મોટા શહેરો વચ્ચે જ દોડાવવામાં આવશે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
