<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

ભારતથી 400કી.મી દૂર મહાદેવના મંદિર માટે બે દેશ વચ્ચે ચાલી રહ્યું છે વર્ષોથી યુદ્ધ

દક્ષિણ-પૂર્વ એશિયાના બે પાડોશી દેશ કંબોડીયા અને થાઈલેન્ડ એકબીજા પર કર્યા હુમલા:લશ્કરી ઠેકાણા પર પણ કરવામાં આવ્યા હવાઈ હુમલા:બંને દેશ વચ્ચેની લડાઈમાં 9 નાગરિકોના મૃત્યુ:14 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ શાંત નથી થયું ત્યાં જગત એક નવા યુદ્ધનું સાક્ષી બની રહ્યું છે. દક્ષિણ-પૂર્વી એશિયાના બે પડોશી દેશ કંબોડિયા અને થાઈલેન્ડે એકબીજા પર હુમલો કર્યો છે. ફક્ત ગોળીબારના છમકલાં નહીં, લશ્કરી ઠેકાણાં પર હવાઈ હુમલા કરાયા છે, જે આ સંઘર્ષની ગંભીરતા દર્શાવે છે. કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે છેડાયેલી લડાઈ માટે બંને દેશો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. થાઈલેન્ડની સેનાએ કહ્યું છે કે, પહેલો હુમલો કંબોડિયા તરફથી થયો હતો. જ્યારે કંબોડિયાનું એવું કહેવું છે કે થાઈલેન્ડે પહેલો હુમલો કર્યો હતો. અમે તો ફક્ત સ્વરક્ષણ માટે વળતો હુમલો કર્યો હતો. બીજી તરફ, થાઈ સૈન્યે ગુરુવારે કંબોડિયાના લશ્કરી થાણાં પર હવાઈ હુમલા કર્યા હતા. કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે થાઈલેન્ડના વિમાનોએ ઐતિહાસિક પ્રીહ વિહાર મંદિર નજીક બોમ્બ ફેંક્યા હતા.

બંને દેશ વચ્ચેની લડાઈમાં ઓછામાં ઓછા 9 નાગરિકોના મોત થયા હતા અને 14 લોકોને ઈજા થઈ છે. સૌથી વધુ જાનહાનિ થાઈલેન્ડના ‘સી સા કેટ’ પ્રાંતમાં થઈ છે, જ્યાં છ લોકો માર્યા ગયા હતા. હવાઈ હુમલા શરૂ થયા એના થોડા કલાકો પહેલા બંને દેશે એકબીજા સાથેના રાજદ્વારી સંબંધો પર પણ રોક લગાવી દીધી હતી. બંને દેશ વચ્ચે સરહદ પર છ વિસ્તારોમાં અથડામણ ચાલુ છે. 

કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે લડાઈનું કારણ સરહદનો વિવાદ છે. બંને દેશ વચ્ચે 817 કિલોમીટરની જમીની સરહદ છે. 1863થી 1953 સુધી કંબોડિયા પર શાસન કરનાર ફ્રાન્સ દ્વારા 1907માં આ જમીન સરહદનો નકશો બનાવાયો હતો, જેને લીધે 11મી સદીમાં બંધાયેલું ‘પ્રીહ વિહાર મંદિર’ કંબોડિયાની હદમાં જતું રહ્યું હતું. મંદિરને કારણે થાઈલેન્ડે આ નકશાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વિવાદ વધી જતાં 1962 માં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા નકશાનું સમર્થન કરાયું હતું. નોંધનીય છે કે, પ્રીહ વિહાર મંદિર ભગવાન શિવને સમર્પિત છે.

વર્ષ 2008માં કંબોડિયાએ પ્રીહ વિહાર મંદિરને યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાનો દરજ્જો આપવાની માંગ કરી ત્યારે પણ થાઈલેન્ડ ભડક્યું હતું. જુલાઈ 2008 માં મંદિરને યુનેસ્કોની માન્યતા મળી, એ પછી સરહદી વિસ્તારમાં કંબોડિયન અને થાઈ સૈનિકો વચ્ચે અથડામણો શરૂ થઈ હતી, જે વર્ષો સુધી ચાલુ રહી અને 2011માં ચરમસીમાએ પહોંચી. 

(6:29 PM IST)