તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
યુક્રેનનું યુદ્ધ હવે માટે બે દેશો પુરુતું નથી રહ્યું પરંતુ વૈશ્વિક સ્તરે પહોંચી ગયું
યુક્રેનની જમીન પર ચીનમાં બનેલા ડ્રોન,વાહનો અને હથિયારોના કાટમાળો જોવા મળી રહ્યા:અમેરિકાએ ચીનને સીધી રીતે રશિયાની મદદ કરવા માટે જવાબદાર ગણાવતા ચીને પણ કર્યો વળતો પ્રહાર

નવી દિલ્હી: રશિયા અને યુક્રેનનું યુદ્ધ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. પરંતુ, હવે આ યુદ્ધ ફક્ત જમીન પૂરતું સીમિત નથી રહ્યું. આ યુદ્ધ હવે વૈશ્વિક તરીકે પહોંચી ગયું છે. હકીકતમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શુક્રવારે કંઈક એવું થયું, જેની છેલ્લા ઘણા સમયથી આશંકા સેવાઈ રહી હતી. અમેરિકાએ ચીનને સીધી રીતે રશિયાની મદદ કરવા માટે જવાબદાર ગણાવ્યું અને જવાબમાં ચીને પણ વળતો પ્રહાર કર્યો હતો. બંને દેશો વચ્ચે થયેલા વાકયુદ્ધે સાબિત કરી દીધું કે, યુક્રેનનું યુદ્ધ હવે બે દેશો વચ્ચે નથી રહ્યું પરંતુ, વૈશ્વિક સ્તરે પહોંચી ગયું છે. અમેરિકાના કાર્યકારી રાજદૂત ડોરોથી શિયાએ ખૂબ જ કઠોર સ્વરમાં કહ્યું કે, 'ચીન ભલે દાવો કરી રહ્યું હોય કે, તેણે રશિયાને બેવડા ઉપયોગવાળી ટૅક્નોલૉજી નથી આપી, પરંતુ યુક્રેનની જમીન પર ચીનમાં બનેલા ડ્રોન, વાહન અને હથિયારોના કાળમાળ રોજ મળી રહ્યા છે. જો ચીન ખરેખર શાંતિ ઇચ્છે છે, તો તેણે રશિયા-યુક્રેન યુદ્ધની આગમાં ઘી નાંખવાનું બંધ કરી દેવું જોઈએ.'
બેવડા ઉપયોગ ધરાવતી ટૅક્નોલૉજી એટલે એવી વસ્તુ અથવા સામાન જેનો ઉપયોગ નાગરિક પણ કરી શકે અને સેના પણ. આ જ સામાનોને લઈને અમેરિકાએ આરોપ લગાવ્યો કે, ચીન છાનામાના ચાલાકીથી રશિયન સેનાને શક્તિ પૂરી પાડે છે.
એક આંતરરાષ્ટ્રીય અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીની કંપની 'ઇન્ડસ્ટ્રિયલ રેફ્રિજરેશન યુનિટ્સ' એટલે કે, ફ્રીજના નામથી રશિયાને સરકારી ડ્રોન ફર્મના એન્જિન મોકલી રહી છે. તેનો હેતુ પ્રતિબંધોથી બચવાનો છે.
જોકે, ચીને આ આરોપોને પાયાવિહોણા અને રાજકીય સ્ટંટ જણાવી દીધું. સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના ઉપરાજદૂત ગેંગ શુઆંગે કહ્યું કે, 'અમે કોઈ જીવલેણ હથિયાર નથી મોકલ્યા. ડ્રોન અને બેવડા ઉપયોગવાળા સામાન પર અમારું નિરીક્ષણ વિશ્વમાં સૌથી કડક છે. અમેરિકાએ શાંતિના માર્ગ પર અવરોધો ઊભા ન કરવા જોઈએ.'
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
