તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
દરરોજ ઓફિસ ટાઈમ પૂરો થયા પછી મીટિંગઃ કંટાળીને કર્મચારી કોર્ટમાં પહોંચ્યોઃ ૨.૩ લાખ મળ્યું વળતર
બેઇજિંગમાં એક એન્જિનિયરે પોતાની કંપની સામે કેસ જીત્યોઃ કંપની ડ્યૂટી પૂરી થયા પછી પણ ઓનલાઈન ટ્રેનિંગમાં હાજર રહેવા માટે દબાણ કરતી હતી

બેઇજિંગ તા.૨૮: ચીનની રાજધાની બેઇજિગમાં એક એન્જાિનિયરે પોતાની કંપની સામે એવો કેસ જીત્યો છે, જે હવે ચીનની વર્કપ્લેસ સંસ્કૃતિમાં ઐતિહાસિક નિર્ણય તરીકે ગણવામાં આવે છે. આ કર્મચારીને તેની કંપની ડ્યૂટી પૂરી થયા પછી પણ ઓનલાઈન ટ્રેનિગમાં હાજર રહેવા માટે દબાણ કરતી હતી. વાંગ નામના આ કર્મચારીએ કોર્ટમાં દલીલ કરી કે જુલાઈ ૨૦૨૦થી જૂન ૨૦૨૩ સુધી, જ્યાં સુધી તે ત્યાં નોકરી કરી રહ્યો હતો, ત્યાં સુધી તેને નિયમિત રીતે ઓફિસનો સમય પૂર્ણ થયા પછી પણ ઓનલાઈન સેશનમાં હાજર રહેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ સેશનમાં હાજર ન રહેવા પર કંપની દ્વારા ૨૦૦ યુઆન (અંદાજે ૨,૪૦૦ રૂપિયા)નું ‘સ્વૈચ્છિક ડોનેશન' માંગવામાં આવતું હતું.
જ્યારે વાંગે આ માટે ઓવરટાઈમના પૈસા માંગ્યા, તો કંપનીએ જવાબ આપ્યો કે આને ઓવરટાઈમ ગણી શકાય નહીં, કારણ કે તેને મેનેજમેન્ટની પૂર્વ મંજૂરી મળી ન હતી. વાંગે લગભગ ૮૦,૦૦૦ યુઆન (અંદાજે ૯.૬ લાખ રૂપિયા)નો ઓવરટાઈમ માંગ્યો હતો. કંપનીનું કહેવું હતું કે કર્મચારીઓએ ફક્ત લોગઈન કરવાનું હતું, બોલવું કે ધ્યાન આપવું જરૂરી ન હતું. પ્રથમ તો વાંગની અપીલને એક મધ્યસ્થી સંસ્થાએ ફગાવી દીધી, પરંતુ તેણે હાર ન માની અને તે કેસને કોર્ટમાં લઈ ગયો.
બેઇજિગ નંબર ૨ ઇન્ટરમીડિયેટ પીપલ્સ કોર્ટે આખરે વાંગની તરફેણમાં ચુકાદો આપ્યો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે વાંગની ડ્યૂટી પૂરી થયા પછી ટ્રેનિગનું આયોજન કરવામાં આવતું હતું અને તેમાં હાજર રહેવું ફરજિયાત હતું. કારણ કે ‘ડોનેશન'ના નામે જે રકમ માંગવામાં આવતી હતી, તે રકમ ખરેખર દંડ હતો. આથી આ સંપૂર્ણપણે ઓવરટાઈમનો કેસ બનતો હતો. આ ઐતિહાસિક નિર્ણયમાં કોર્ટે કંપનીને આદેશ આપ્યો કે તેઓ વાંગને ૧૯,૦૦૦ યુઆન (અંદાજે ૨.૩ લાખ રૂપિયા)નું વળતર આપે.
આ નિર્ણય ચીનમાં વધતા ‘૯૯૬ કલ્ચર' (સવારે ૯થી રાત્રે ૯ સુધી, અઠવાડિયામાં ૬ દિવસ કામ) અને વર્ક-લાઈફ બેલેન્સ અંગે ચાલી રહેલી ચર્ચાની વચ્ચે લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હવે કંપનીઓ કર્મચારીઓના અંગત સમયનું સન્માન કરવાનું શીખશે. આ કેસ ચીનના કર્મચારીઓ માટે એક મોટી જીત છે.(૩૮.૨)
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
