<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

ઈરાને માત્ર 36 મિનિટમાં 12000કી.મી દૂર નિશાન તાકતી મિસાઈલ તૈયાર કરી હોવાનો કર્યો દાવો

આ ઈરાનની સૌથી ખતરનાક મિસાઇલ માનવામાં આવે છે:ઈરાને બનાવેલ આ નવી મિસાઇલથી અમેરિકાની ચિંતામાં થયો વધારો

નવી દિલ્હી: ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામની ડેડલાઈન પહેલાં ઈરાને અમેરિકા સુધી પહોંચી શકે તેવી ખોર્રમશહર-5 (Khorramshahr-5) નામની મિસાઈલ બનાવી લીધી છે. આ મિસાઈલ ઈરાનની રાજધાની તેહરાનથી અમેરિકા પર આસાનીથી હુમલો કરી શકે છે. આને ઈરાનની સૌથી ખતરનાક મિસાઈલ માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાને ખોર્રમશહર સીરિઝની અગાઉની ચાર મિસાઈલોના પ્રક્ષેપણની જાણકારી દુનિયાને આપી હતી, પરંતુ પાંચમી મિસાઈલનું પ્રક્ષેપણ ચૂપચાપ કરી લીધું હોવાનું કહેવાય છે. ખોર્રમશહર-5 ઈરાન દ્વારા વિકસાવવામાં આવેલી એક અત્યાધુનિક મિસાઈલ છે, જેનું નામ ઈરાનના જાણીતા શહેર ખોર્રમશહર પરથી રાખવામાં આવ્યું છે. આ મિસાઈલને ઈરાનની સૌથી અદ્યતન મિસાઈલ માનવામાં આવે છે. જો મિસાઈલની મુખ્ય વિશેષતા વિષે વાત કરીએ તો...

મારક ક્ષમતા: આ મિસાઈલની મારક ક્ષમતા 12,000 કિલોમીટર છે.

- વોરહેડ: તે 2 ટન (લગભગ 2000 કિલો) વજનનો વોરહેડ લઈ જઈ શકે છે.

- ઝડપ: તેની ઝડપ 16 મેક (MAC) છે, જે અવાજની ગતિ કરતાં 16 ગણી વધારે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખોર્રમશહર-5 જો તેહરાનથી છોડવામાં આવે તો તેને અમેરિકા પહોંચવામાં લગભગ 36 મિનિટનો સમય લાગશે. તેમજ તેહરાનથી અમેરિકાનું અંતર આશરે 11,000 કિલોમીટર છે, જે દર્શાવે છે કે આ મિસાઈલ અમેરિકા પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

ઈરાની સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, ખોર્રમશહર-5નો 2 ટનનો વોરહેડ અમેરિકાના બંકર બસ્ટર બોમ્બ જેટલો શક્તિશાળી છે. નોંધનીય છે કે અગાઉ ઈરાન પરના હુમલા દરમિયાન અમેરિકાએ તેના 3 પરમાણુ ઠેકાણાઓ પર આવા બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો હતો.

(6:04 PM IST)