News of Wednesday, 30th July 2025
ચીનમાં બાળકોના જન્મ માટે માતા-પિતાને સરકાર સવા લાખ આપશે
ચીનમાં ‘એક બાળકની નીતિ'ના કારણે સાત વર્ષમાં જન્મદર અડધો થઈ ગયો

બેઇજિગ,તા.૩૦: ચીનમાં બાળકોને જન્મ આપવા પર સરકારે માતા-પિતાને ૧ જાન્યુ.૨૦૨૫થી રૂપિયા ૧.૩૦ લાખ આપવાની જાહેરાત કરી છે.
ચીનના મીડિયા રિપોર્ટ મુજબ, બાળકોના જન્મ પછી સરકાર સતત ત્રણ વર્ષ સુધી માતા-પિતાને વાર્ષિક ૩૬૦૦ યુઆન(લગભગ ૪૪૦૦૦ રૂપિયા) આપશે. ચીનની ૨૧ ટકા વસ્તીની ઉંમર ૬૦ વર્ષથી વધુ છે. ચીને લગભગ એક દાયકા પહેલા પોતાની વિવાદાસ્પદ ‘વન ચાઇલ્ડ પોલિસી' નાબૂદ કરી દીધી હતી, પરંતુ તેમ છતાં પણ જન્મદર ઓછો થઈ રહ્યો છે. વિશ્વના મોટા દેશોની વાત કરીએ તો ચીનમાં જન્મદર સૌથી ઓછો છે અને આ સતત ઘટી રહ્યો છે. ૨૦૧૬માં ચીનમાં ૧.૮ કરોડ બાળકો જન્મ્યા હતા. ૨૦૨૩માં આ આંકડો ૯૦ લાખ પર આવી ગયો.
ફક્ત સાત વર્ષમાં ચીનમાં બાળકોના જન્મના દરમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૨૪માં તેમાં થોડોક વધારો થયો અને આ આંકડો ૯૫ લાખ સુધી પહોંચ્યો, પરંતુ વસ્તીમાં કુલ ઘટાડો ચાલું રહ્યો, કારણ કે મૃત્યુદર જન્મદરથી વધુ રહ્યો. જો કોઈ બાળક પહેલા જન્મ્યુ છે પરંતુ હજુ ત્રણ વર્ષથી નાનું છે, તો તેમને પણ એટલા મહિનાના હિસાબથી પૈસા મળશે. ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું કે તેનાથી લગભગ બે કરોડ પરિવારોને પ્રતિ વર્ષ ફાયદો મળવાની આશા છે.
નિષ્ણાતોનું માનવું છે કે ફક્ત પૈસા આપવાથી જન્મદર વધશે નહીં, પરંતુ માતૃત્વ રજા, બાળકોની દેખભાળ માટેની સેવાઓ, શાળાઓ અને ઘર જેવી અન્ય સુવિધાઓ પણ ઉમેરવી પડશે.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
