તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
ઓસ્ટ્રેલિયન સરકારે બાળકો માટે યુટ્યુબ બંધ કરવાનો લીધો નિર્ણય
ઓસ્ટ્રેલિયાની ઇન્ટરનેટ કન્ટેન્ટ પર નજર રાખતી સંસ્થાએ સરકારને યુટ્યુબ પર પ્રતીબંધ મુકવાની કરી માંગણી :10 થી 15 વર્ષના 37% બાળકો YouTube પર હાનિકારક કન્ટેન્ટ જોઈ રહ્યા છે

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા સરકાર બાળકો અને કિશોરો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને સખત પગલાં લઈ રહી છે. તાજેતરમાં, સરકારે YouTube ને પણ બૅન કરવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે અગાઉ વીડિયો હોસ્ટિંગ પ્લેટફોર્મને છૂટ આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને પણ કિશોરો માટે બૅન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કંપનીનું કહેવું છે કે તેઓ આ અંગે સરકાર સાથે વધુ વાતચીત કરશે. ઓસ્ટ્રેલિયાની ઇન્ટરનેટ કન્ટેન્ટ પર નજર રાખતી સંસ્થાએ સરકારને YouTube પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. સંસ્થાએ પોતાના સંશોધનના આધારે જણાવ્યું હતું કે 10 થી 15 વર્ષના 37% બાળકો YouTube પર હાનિકારક કન્ટેન્ટ જોઈ રહ્યા છે. આ આંકડો અન્ય કોઈ સોશિયલ મીડિયા વેબસાઇટની સરખામણીમાં સૌથી વધુ જોવા મળ્યો હતો.
એવા પણ અહેવાલ છે કે મેટાની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટિકટોક જેવી સોશિયલ મીડિયા કંપનીઓએ પણ કહ્યું હતું કે YouTube ને છૂટ આપવી યોગ્ય નથી.
વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, 'સોશિયલ મીડિયાની એક સામાજિક જવાબદારી છે અને તેમાં કોઈ શંકા નથી કે ઓસ્ટ્રેલિયાના બાળકો ઓનલાઈન પ્લેટફોર્મ્સને કારણે નકારાત્મક રીતે પ્રભાવિત થઈ રહ્યા છે. આવા સંજોગોમાં, હું તેમને બંધ કરવાની તૈયારી કરી રહ્યો છું. સોશિયલ મીડિયા આપણા બાળકોને નુકસાન પહોંચાડી રહ્યું છે અને હું ઓસ્ટ્રેલિયાના વાલીઓને કહેવા માંગુ છું કે અમે તેમની સાથે છીએ.'
ગયા વર્ષે નવેમ્બરમાં આ અંગે કાયદો પણ પસાર કરવામાં આવ્યો છે. જો સોશિયલ મીડિયા કંપનીઓ આ કાયદાનું ઉલ્લંઘન કરશે, તો તેમને 49.5 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવશે. પ્રતિબંધના તાજેતરના નિર્ણય પર YouTube ના પ્રવક્તાએ જણાવ્યું છે કે કંપની આગામી પગલાં પર વિચાર કરશે અને સરકાર સાથે વાતચીત કરશે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
