<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

ઓએમજી....આ એરપોર્ટ પર પ્લેનની સાથે ટ્રેનો પણ રનવે પર દોડે છે

ન્યુઝીલેન્ડમાં આવેલ છે આ અનોખું એરપોર્ટ:ટુ-ઈન વન તરીકે ઓળખાય છે:અહીંયા રન વે માત્ર વિમાનો માટે જ નહીં પરંતુ ટ્રેનો માટે પણ ખુલ્લું છે

નવી દિલ્હી: એરપોર્ટના રન-વે પર કયું વાહન દોડે? એવો સવાલ કોઈ પૂછે તો એનો સીધો ને સટ જવાબ છે- વિમાન. પણ જો કોઈ એમ કહે કે એરપોર્ટના રન-વે પર ટ્રેન દોડે, તો વિશ્વાસ કરી શકો ખરા? માન્યામાં ન આવે એવી વાત છે, પણ આ હકીકત છે. દુનિયામાં એક એવું એરપોર્ટ પણ છે જ્યાં રન-વે પર વિમાનની સાથે ટ્રેનો પણ દોડે છે. ચાલો જાણીએ કે કયા દેશના કયા શહેરમાં આ અનોખું એરપોર્ટ આવેલું છે. વાહનવ્યવહારનું અનોખું સહઅસ્તિત્વ ધરાવતું આ સ્થળ ન્યૂઝીલેન્ડમાં આવેલું છે. ન્યૂઝીલેન્ડના નોર્થ આઇલેન્ડના પૂર્વ દરિયાકાંઠે આવેલા ગિસબોર્ન શહેરનું એરપોર્ટ ટુ-ઈન-વન કહી શકાય એવું છે, કેમ કે અહીંનું રન-વે માત્ર વિમાનો નહીં પરંતુ ટ્રેનો માટે પણ ખુલ્લું છે. આ એરપોર્ટ વિશ્વનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં રન-વે પરથી ટ્રેનો પસાર થાય છે. લગભગ 160 હેક્ટર વિસ્તાર ધરાવતા એરપોર્ટના રન-વેને પાલ્મર્સ્ટન નોર્થ-ગિસબોર્ન રેલવે લાઇન બે ભાગમાં વિભાજિત કરે છે.

 

એરપોર્ટ તથા રેલવે લાઇન બંને સવારે 6:30થી રાત્રે 8:30 સુધી કાર્યરત રહે છે. આ સમયગાળામાં ખૂબ જ ચોકસાઈપૂર્વક વિમાનોની અને ટ્રેનોની અવરજવર નિયંત્રિત કરાય છે. ટ્રેન આવવાનો સમય થયો હોય તો વિમાને ઉડાન ભરવાની રાહ જોવી પડે છે અને કોઈ ફ્લાઈટના લેન્ડિંગ કે ઉડાનનો સમય થયો હોય તો ટ્રેનને અટકાવવી પડે છે. આ રીતના ટ્રાફિકનું સંપૂર્ણ સંચાલન એરપોર્ટ મેનેજમેન્ટના હાથમાં છે.

આ એરપોર્ટ જ્યાં છે, તે સ્થળે પહેલેથી જ એક રેલવે લાઇન હતી. 1940ના દાયકામાં ગિસબોર્ન શહેરમાં એરપોર્ટ બનાવવાની જરૂરિયાત સર્જાઈ ત્યારે આખા શહેરમાં આ એકમાત્ર સ્થળે સમથળ જમીન હતી જ્યાં એરપોર્ટ બનાવી શકાય. તેથી અહીં રેલવે લાઈનને જેમની તેમ જાળવી રાખીને એરપોર્ટ અને રન-વેનું બાંધકામ કરાયું હતું. 

(6:13 PM IST)