News of Friday, 15th August 2025
અમેરિકાના પશ્ચિમી કાંઠે 7.7ની તીવ્રતાના ભૂકંપના ઝટકા આવી શકે તેવી શક્યતાઓ
અમેરિકાની કેલ્ટેક યુનિવર્સિટીના ભૂસ્તરવિજ્ઞાાનીઓએ પૃથ્વીના પેટાળમાં થતી હિલચાલનો અભ્યાસ કરીને આપી ચેતવણી

નવી દિલ્હી: અમેરિકામાં ખતરનાક ભૂકંપ ત્રાટકે એવી શક્યતા છે. આ વર્ષે બે મોટા ભૂકંપ ત્રાટકી ચૂક્યા છે. એક ભૂકંપ માર્ચ મહિનામાં મ્યાંમારમાં આવ્યો હતો, જેમાં હજારો લોકોનાં મોત થયા હતા. એવો જ ભૂકંપ રશિયામાં આવ્યો. તેની અસર છેક અમેરિકા-જાપાન સુધી થઈ હતી. હવે એવો જ મહા વિનાશક ભૂકંપ ટૂંક સમયમાં ખાબકે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. સંશોધકોએ ભયાનક ભૂકંપની ચેતવણી આપી છે.
અમેરિકાની કેલ્ટેક યુનિવર્સિટીના ભૂસ્તરવિજ્ઞાાનીઓએ પૃથ્વીના પેટાળમાં થતી હિલચાલનો અભ્યાસ કરીને ચેતવણી આપી હતી કે અમેરિકાના પશ્વિમી કાંઠે ગમે તે ઘડીએ મહાઘાતક ભૂકંપ ત્રાટકી શકે છે. એની તીવ્રતા ૭.૭ રિક્ટર સ્કેલ હોઈ શકે છે અને તેનાથી પશ્વિમના રાજ્યોમાં ભારે ખાનાખરાબીનું જોખમ છે. આ વર્ષે માર્ચમાં મ્યાંમારમાં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો એમાં હજારો લોકોનાં મોત થયા હતા અને અનેક લોકો ઈજા પામ્યા હતા. અમુક લોકો હજુય લાપતા છે. એ ભૂકંપ થવા પાછળનું કારણ હતું સેગોંગ ફોલ્ટમાં થતી હિલચાલ. પૃથ્વીના પેટાળમાં ટેકટોનિક પ્લેટ્સના સંદર્ભમાં આવેલી રેખાઓ કે તીરાડોને ભૂસ્તરશાસ્ત્રની ભાષામાં ફોલ્ટ કહેવામાં આવે છે. દુનિયામાં આવી ઘણી રેખાઓ આવેલી છે. પૃથ્વીની જુદી જુદી પ્લેટ્સ એ રેખાઓના માધ્યમથી ખસે છે. એકબીજાની નજીક આવે છે અથવા દૂર જાય છે. એ ઘટના બને ત્યારે સપાટી પર ઘમાસાણ મચી જાય છે.
એવું જ ઘમાસાણ સાન એન્ડ્રીઆસ ફોલ્ટમાં મચી રહ્યું છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના પેટાળમાં આવેલી આ પ્લેટ્સમાં મોટાપાયે હિલચાલ થઈ રહી છે. તેના કારણે આગામી સમયમાં ગમે ત્યારે ૭.૭ કે એનાથી પણ વધારે ખતરનાક ભૂકંપ ત્રાટકી શકે છે. તેનાથી અમેરિકાને મોટું આર્થિક નુકસાન થઈ શકે અને જાન-માલની હાનિ પણ થવાની શક્યતા છે. સંશોધકો કહે છે કે મ્યાંમારના ભૂકંપ પાછળ સેગોંગ ફોલ્ટ જવાબદાર હતી. એમાં જે હિલચાલ થઈ છે તેની સીધી અસર સાન એન્ડ્રીયાસ ફોલ્ટમાં પણ થશે જ. કારણ કે બંનેમાં ઘણી સમાનતા છે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
