તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સીટીના વિજ્ઞાનીઓએ ઉંદર પર કરેલ કેન્સરના ઉપચારમાં મળી સફળતા
કેન્સર જેવી બીમારી આજના જમાનામાં વિકરાળ બની ગઈ છે:દર વર્ષે એક કરોડથી વધુ લોકો પામે છે મૃત્યુ:ફ્લોરિડા યુનિવર્સીટીના સંશોધકોએ કેન્સરની વેક્સિનનો કર્યો સફળ પ્રયોગ

નવી દિલ્હી: દુનિયામાં લાખો લોકો કેન્સરથી પીડાય છે. કેન્સર આજના જમાનાની સૌથી વિકરાળ બીમારી બની ગઈ છે. કેન્સરના કારણે વર્ષે એક કરોડથી વધુ લોકોનાં મોત થઈ જાય છે. કેન્સરની જુદી જુદી સારવાર પદ્ધતિ છે અને ઘણાં લોકો સાજા થાય છે છતાં અક્સિર ઈલાજ હજુ સુધી મળ્યો નથી. આવી સ્થિતિમાં અમેરિકામાંથી આશા જન્માવતો અહેવાલ આવ્યો છે. અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકોએ કેન્સરની વેક્સિન પર સફળ પ્રયોગ કર્યો છે.
સાયન્સ જર્નલ નેચર બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં પબ્લિશ થયેલા અહેવાલ પ્રમાણે ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકોએ કેન્સરની યુનિવર્સલ વેક્સિન વિકસાવી છે. એમઆરએનએ એટલે કે મેસેન્જર આરએનએ ટેકનિકનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ બનાવેલી કેન્સરની વેક્સિન બધા પ્રકારના કેન્સરમાં કારગત નીવડે તેમ છે. ઉંદરો પર પ્રયોગ થયો એનું પરિણામ ખૂબ ઉત્સાહવર્ધક છે. વેક્સિન આપ્યા બાદ ઉંદરોના શરીરમાં કેન્સરની ગાંઠ ગાયબ થઈ ગયાનું જણાયું હતું.
આ વેક્સિન મૂળભૂત રીતે શરીરની રોગ પ્રતિકારક શક્તિને કેન્સરની ગાંઠ પર હુમલો કરવા પ્રેરિત કરે છે. શરીરમાં જે સ્થળે ટયૂમર હોય એ સ્થળે તે સીધો એટેક કરે છે. ઘણાં ઉંદરોમાં કેન્સર ટયૂમર સદંતર નાબુદ થયાનું જણાયું હતું તો ઘણાં ઉંદરોમાં ગાંઠ નબળી પડી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ વેક્સિન કોઈ એક પ્રકારના કેન્સરમાં જ ઉપયોગી નથી, બધા જ પ્રકારના કેન્સરમાં તે અસર કરે છે, તેથી યુનિવર્સલ કેન્સર ટ્રિટમેન્ટ માટે આ વેક્સિન ભવિષ્યમાં બહુ મોટી ભૂમિકા ભજવશે.
સંશોધકોએ સ્કીન, હાડકા અને બ્રેન કેન્સર ધરાવતા ઉંદરોને આ વેક્સિન આપીને જોયું તો વેક્સિનથી તેમના શરીરમાં પાવરફૂલ રોગ પ્રતિકારક શક્તિ જનરેટ થઈ હતી. એ રોગ પ્રતિકારક શક્તિએ જ કેન્સર સામે મજબૂત લડાઈ આપી હતી. ડૉ. એલિયાસ સયૂરના માર્ગદર્શનમાં તૈયાર થયેલી આ વેક્સિનથી કેન્સર ઈમ્યુનોથેરપીની પદ્ધતિને સાયન્ટિફિકલી વધારે સમર્થન મળશે. ડૉ. એલિયાસ સયૂરના કહેવા પ્રમાણે આ વેક્સિન નિષ્ક્રિય થયેલા સેલને ફરીથી એક્ટિવ કરે છે. તેનાથી શરીરની કેન્સર સામેની લડાઈ વધારે સ્ટ્રોંગ બની જાય છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
