<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

અમેરિકામાં જોવા મળ્યો ન્યુ વર્લ્ડ સ્કૃવર્મ વાઇરસનો પ્રથમ કેસ:યુએસ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ ડિપાર્ટમેન્ટે આપી માહિતી

નવો વાઇરસ સામે આવતા પશુપાલકો સહીત માંસ ઉત્પાદકો અને વેપારીઓમાં ભારે હડકંપ મચી જવા પામ્યો:વેપારીઓમાં વધી ચિંતા

નવી દિલ્હી: અમેરિકામાં ન્યૂ વર્લ્ડ સ્ક્રૂવર્મ વાઈરસનો પહેલો કેસ નોંધાયો છે. આ અંગે યુએસ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ ડિપાર્ટમેન્ટે રવિવારે માહિતી આપી હતી. આ સમાચાર સામે આવતાની સાથે જ પશુપાલકો, માંસ ઉત્પાદકો અને વેપારીઓમાં હડકંપ મચી ગયો છે. 

HHS ના પ્રવક્તા એન્ડ્રયૂ જી. નિક્સનએ જણાવ્યું કે, આ કેસની તપાસ મેરીલેન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા કરવામાં આવી હતી, અને 4 ઓગસ્ટના રોજ CDC દ્વારા તેની ન્યૂ વર્લ્ડ સ્ક્રૂવર્મ તરીકે પુષ્ટિ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ કેસ એક એવા વ્યક્તિ સાથે સબંધિત છે જે અલ સાલ્વાડોરની યાત્રાથી પરત ફર્યો હતો.

આ પહેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ગત અઠવાડિયે બીફ ઉદ્યોગના સૂત્રોએ દાવો કર્યો હતો કે CDCએ મેરીલેન્ડમાં ગ્વાટેમાલાથી યુએસ પરત ફરેલા એક વ્યક્તિમાં ન્યૂ વર્લ્ડ સ્ક્રૂવર્મના કેસની પુષ્ટિ કરી હતી.

આ સમાચારથી પશુપાલકો, માંસ ઉત્પાદકો અને વેપારીઓમાં ચિંતા વધી ગઈ છે, કારણ કે સ્ક્રૂવર્મ સેન્ટ્રલ અમેરિકા અને દક્ષિણ મેક્સિકોથી ઉત્તર તરફ આગળ વધી રહ્યો છે. વહીવટીતંત્ર આ અંગે સતર્ક છે.

યુએસડીએએ અનુમાન લગાવ્યું છે કે સ્ક્રૂવર્મના પ્રકોપથી ટેક્સાસમાં 1.8 અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે. આ નુકસાનમાં પ્રાણીઓના મૃત્યુ, મજૂરી ખર્ચ અને દવાઓનો ખર્ચ સામેલ હશે. આ ખતરાનો સામનો કરવા માટે, યુએસડીએ સેક્રેટરી બ્રુક રોલિન્સે ટેક્સાસમાં 'સ્ટરાઈલ ફ્લાઈ ફેસલિટી' બનાવવાની યોજનાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત સાઉથ ડકોટાના રાજ્ય પશુચિકિત્સક બેથ થોમ્પસને જણાવ્યું કે, તેમને આ કેસ વિશે એક વ્યક્તિ દ્વારા જાણવા મળ્યું જે તેને સીધી રીતે જાણતો હતો. તેમણે કહ્યું કે, સીડીસીએ સવાલો ટાળવા જવાબદારી મેરીલેન્ડ પર નાખી દીધી. તેમણે કહ્યું કે, અમને અન્ય સ્ત્રોતો દ્વારા આ વાત જાણવા મળી અને પછી અમારે સીડીસીને પૂછવું પડ્યું કે, ખરેખર શું થઈ રહ્યું છે. મુસાફરમાં શું મળ્યું તેની પુષ્ટિ કરવા માટે તેમણે ફરી રાજ્ય પર ઠીકરું ફોડી દીધું. 

 

(6:30 PM IST)