News of Monday, 25th August 2025
જર્મનીએ ગજબ ટેક્નોલોજીની શોધ કરી:માત્ર 60 જ સેકેન્ડમાં 4 ટન પાણી શોષી લે તેવા રસ્તા બન્યા
અતિ વરસાદના કારણોસર રસ્તા પર જોવા મળે છે પાણી:ફ્લડની સ્થિતિમાં પણ આ ટેક્નોલોજી ખુબજ મદદરૂપ થશે:એન્જીનીયરીંગનું એક છે ઉત્તમ ઉદારણ

નવી દિલ્હી: ભારતમાં હાલમાં જ્યાં જુઓ ત્યાં વરસાદને કારણે ઘણું નુકસાન થઈ રહ્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ એન્ડ કાશ્મીર વગેરે રાજ્યમાં વરસાદને કારણે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. વરસાદ સામાન્ય હોય એ રાજ્યમાં પણ વરસાદને કારણે ઘણાં રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. ચોમાસામાં સૌથી પહેલી અસર રસ્તાઓ પર પડે છે અને એને કારણે વાહન વ્યવહાર અટકવાની સાથે અકસ્માત પણ ઘણાં થાય છે. આ સમસ્યાનું નિરાકરણ જર્મની દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું.
જર્મની દ્વારા થોડા વર્ષ પહેલાં નવી ટેકનોલોજી વિકસાવાઈ હતી જે રસ્તા પરનું પાણીનું શોષણ કરી લે. જર્મનીની આ ટેકનોલોજીની મદદથી રસ્તા પર સંગ્રહ થતું પાણી દૂર થઈ શકે છે. અતિ વરસાદના કારણે રસ્તા પર જે પાણી જોવા મળે છે એ હવે જોવા નહીં મળે. તેમજ ફ્લડની સ્થિતિમાં પણ આ ટેકનોલોજી ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. આ કોઈ એક નવા પ્રકારના રસ્તા નથી, પરંતુ એન્જિનિયરિંગનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં સાયન્સ વધુ છે. આ રસ્તાની હવે ભારતમાં જરૂર છે.
મોટા ભાગના શહેરોના રસ્તા ડામરના બનાવેલા હોય છે. ઘણી જગ્યાએ આરસીસીના પણ હોય છે. જો કે, ડામર હોય કે આરસીસી, વરસાદ પડે ત્યારે પાણી એના પરથી આગળ વધતું રહે છે અથવા તો ત્યાં સંગ્રહ થતું રહે છે. પરિણામે ફ્લેશ ફ્લડ થતાં ટ્રાફિક વધી જાય છે અને ઘણું નુકસાન થવાની શક્યતા રહે છે. ડામરના રસ્તાના કારણે ખૂબ જ ઓછો વરસાદ પડ્યો હોય તો પણ સમગ્ર શહેર અથવા તો જિલ્લાનું વાહન વ્યવહાર ખોરવી નાખે છે. આથી જર્મની દ્વારા આ સમસ્યાનું સમાધાન શોધી કાઢવામાં આવ્યું છે. હવે રસ્તા પર પાણી પડતાંની સાથે જ એ એને પી જશે એટલે કે શોષી લેશે. આ ટેકનોલોજીની મદદથી 60 સેકન્ડની અંદર ચાર ટન પાણી શોષાઈ જાય છે.
આ ટેકનોલોજીમાં ત્રણ લેયરનો સમાવેશ થાય છે. આ લેયરની મદદથી પાણીનું શોષણ થતું હોય એવું લાગે, પરંતુ એ રસ્તાની અંદર જતું રહે છે. આ માટે એક સિસ્ટમ બનાવવી પડે છે. ત્રણ લેયરમાં સૌથી પહેલાં એક અંડરગ્રાઉન્ડ પાઇપ નેટવર્ક ઊભું કરવામાં આવે છે. રસ્તાની અંદર એક પાણીના નાળા જેવી વ્યવસ્થા હોવાથી પાણી ખૂબ જ અસરકારક રીતે રસ્તા પરથી દૂર થઈ જાય છે. આ કારણે શહેરની અન્ય ગટર પર પણ દબાણ અથવા તો લોડ નથી આવતો. ત્યાર બાદ ઉપર ગ્રેનાઇટનું લેયર બનાવવામાં આવે છે. ગ્રેનાઇટના પથ્થર હોવાથી એ ડ્રેનેજની સાથે રસ્તાની મજબૂતી માટે પણ મદદરૂપ થાય છે. ગ્રેનાઇટના પથ્થરને કારણે રસ્તા પર ગમે એટલું વજન આવે તો પણ તે તૂટશે નહીં.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
