તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
બ્રહ્માંડનું એક અજીબોગરીબ રહસ્ય અને આશ્ચર્ય શોધવામાં આવ્યું
પૃથ્વીથી સૌથી દૂરની ગેલેક્સીમાંથી ઓક્સિજન સહીત અમુક ભારે કહી શકાય તેવા તત્વો મળી આવ્યા

નવી દિલ્હી: અનંત,અફાટ બ્રહ્માંડનું અજીબોગરીબ રહસ્ય અને આશ્ચર્ય શોધાયું છે. આ રહસ્ય અને આશ્ચર્ય એ છે કે પૃથ્વીથી સૌથી દૂરની ગેલેક્સીમાંથી ઓક્સિજન(પ્રાણવાયુ) સહિત અમુક અતિ ભારે કહી શકાય તેવાં તત્વો મળ્યાં છે. પૃથ્વીથી સૌથી દૂરની એટલે કે ૧૩.૪ અબજ પ્રકાશ વર્ષના કલ્પનાતીત કહી શકાય તેટલા અંતરે આવેલી : જેએડીઇએસ : જીએસ - ઝેડ૧૪ - ૦ : સંજ્ઞા ધરાવતી ગેલેક્સીમાંથી ઓક્સિજન સહિત અમુક ભારે તત્વો મળ્યાં છે.
અંતરિક્ષ સંશોધનના ઇતિહાસમાં આ શોધ પહેલી જ વખત થઇ છે. અત્યારસુધીમાં સૂર્યમાળાના કે સૂર્યમંડળ બહારના કોઇ ગ્રહ પરથી કે કોઇ ગેલેક્સીમાંથી ઓક્સિજન નથી મળ્યો.
બ્રહ્માંડના સર્જન અને વિકાસ વિશેની સમજણમાં નવા અધ્યાય કહી શકાય તેવી આ શોધનો યશ અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડિમિનિસ્ટ્રેશન(નાસા)ના અત્યાધુનિક જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (જેડબલ્યુએસટી)ને જાય છે. જેડબલ્યુએસટી અંતરિક્ષના અતિ અતિ દૂરના વિસ્તાર સુધી ગરૂડ નજર કરવાની ક્ષમતા ધરાવે છે. જેડબલ્યુએસટી દ્વારા અત્યારસુધીમાં અનંત અંતરિક્ષમાંની અતિ અતિ દૂરની ૭૦૦ ગેલેક્સીઓનું સુક્ષ્મ સર્વેક્ષણ કર્યું છે.
લેઇડન યુનિવર્સિટી(લેઇડન : નેધરલેન્ડ)ની લેઇડન ઓબ્ઝર્વેટરી સાથે જોડાયેલા ખગોળશાસ્ત્રી અને આ સંશોધનપત્રના મુખ્ય લેખક સેન્ડર સ્કોઉવ્ઝ અને તેની ટીમે એવી માહિતી આપી છે કે : જેએડીઇએસ : જીએસ - ઝેડ૧૪ - ૦ : સંજ્ઞા ધરાવતી ગેલેક્સીમાંથી બહાર ફેંકાયેલો પ્રકાશ અમારી યુનિવર્સિટીની બારી સુધી પહોંચતાં ૧૩.૪ અબજ વર્ષ થયાં છે.ફોડ પાડીને કહીએ તો અત્યારસુધી શોધાયેલી સૌથી દૂરની આ ગેલેક્સીનું સર્જન બ્રહ્માંડના જન્મ(૧૩.૭ અબજ વર્ષ)ના બાળપણના તબક્કા દરમિયાન થયું હોવું જોઇએ.સરળ રીતે સમજીએ તો જેએડીઇએસ : જીએસ - ઝેડ૧૪ - ૦ : સંજ્ઞા ધરાવતી ગેલેક્સીનું સર્જન બ્રહ્માંડના જન્મના ફક્ત ૩૦ કરોડ વર્ષ બાદ થયું હોય તે શક્ય છે.
એસ્ટ્રોફિઝિક્લ જર્નલમાં અને એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ નામના આંતરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રસિદ્ધ થયેલા સંશોધનપત્રમાં એવી વિગતો પણ છે કે અંતરિક્ષમાંના શરૂઆતના તબક્કામાંની ગેલેક્સીઓનું સર્જન આપણે ધારીએ છીએ તેના કરતાં બહુ જ ઓછા સમયગાળામાં અને સૌથી ઝડપથી થયું હોવું જોઇએ. વળી, એ તબક્કે ગેલેક્સીઓના સર્જન માટેનો જરૂરી બધો પદાર્થ પણ મળ્યો હોવો જોઇએ.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
