<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

શાંતિની વાટાઘાટો વચ્ચે રશિયાએ યુક્રેનની રાજધાની કીવમાં કેબિનેટ બિલ્ડીંગ પર કર્યો હુમલો

કીવમાં કેબિનેટ ઇમારત સહીત 37 સ્થળો પર 800થી વધુ ડ્રોન અને મિસાઇલથી અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો થયો:આ હુમલામાં નથી થઇ કોઈ મોટી જાનહાની:ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકશાન

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન યુદ્ધ રોકવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપ સતત પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ યુદ્ધનો હાલ કોઈ અંત દેખાતો નથી. શાંતિની વાટાઘાટો વચ્ચે રશિયાએ રવિવારે યુક્રેનની રાજધાની કીવમાં કેબિનેટ ઈમારત સહિત ૩૭ સ્થળો પર ૮૦૦થી વધુ ડ્રોન અને મિસાઈલથી અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. જોકે, આ હુમલામાં જાનહાની મોટી થઈ નહોતી, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. આ હુમલાના પગલે ઝેલેન્સ્કીએ ફરી દાવો કર્યો કે પુતિનનો યુદ્ધ રોકવાનો કોઈ ઈરાદો નથી.

યુક્રેનની એરફોર્સના પ્રવક્તા યુરી ઇહનાટે કહ્યું કે, રશિયાએ રવિવારે વહેલી સવારે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. રશિયાએ ડ્રોનની સાથે અલગ અલગ પ્રકારની ખતરનાક ૧૩ મિસાઈલો છોડી હતી. રશિયાએ યુક્રેનમાં એક જ સમયે ૩૭ સ્થળો પર હુમલો કર્યો હતો. જોકે, યુક્રેને રશિયાના ૭૪૭ ડ્રોન અને ચાર મિસાઈલ તોડી પાડયા હતા. રશિયાના ડ્રોન અને મિસાઈલોનો કાટમાળ યુક્રેનમાં ૮ સ્થળો પર પડયો હતો. 

યુક્રેને કહ્યું કે, લાંબા સમય પછી રશિયાએ રાજધાની કીવમાં કેબિનેટની ઈમારત પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલાથી ઈમારતની છત અને ટોચના માળમાં કેટલીક જગ્યાએ આગ લાગી હતી. આ હુમલામાં એક નવજાત સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા. કેબિનેટ ઈમારતની ટોચ પરથી આગના દૃશ્યો અને ધૂમાડા નીકળતા જોઈ શકાતા હતા. રશિયા અત્યાર સુધી યુક્રેનની સરકારી ઈમારતોને નુકસાન પહોંચાડવાનું ટાળતું હતું.

યુક્રેનના ઈમર્જન્સી અધિકારીઓએ કહ્યું કે, રશિયાના હુમલામાં ડાર્નિત્સ્કીમાં ચાર માળની રહેણાંક ઈમારતના બે માળમાં આગ લાગી હતી, જેથી ઈમારતને ભારે નુકસાન થયું હતું. આ સિવાય ક્લિટ્સ્કો અને ઈમર્જન્સી અધિકારીઓએ કહ્યું કે, કીવની પશ્ચિમે સ્વિયાતોશિન્સ્કી જિલ્લામાં પણ એક બહુમાળી ઈમારતને ભારે નુકસાન થયું છે.

(7:16 PM IST)