<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

રશિયાએ બનાવી લીધી આંતરડાના કેન્સરની રસી

રશિયાની ફેડરલ મેડિકલ એન્ડ બાયોલોજીકલ એન્જસીએ કેન્સરની રસી બનાવવામાં મેળવી સફળતા:વૈજ્ઞાનિકોએ "એન્ટેરોમિક્સ"નામની રસી બનાવી:સરકાર તરફથી મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે

નવી દિલ્હી: રશિયન વૈજ્ઞાનિકોએ કેન્સર જેવી જીવલેણ બીમારીની સારવારની દિશામાં મોટી સફળતા મેળવી છે. રશિયાની ફેડરલ મેડિકલ એન્ડ બાયોલોજિકલ એજન્સીએ કેન્સરની રસી બનાવવામાં સફળતા મેળવી છે. રશિયાના વૈજ્ઞાનિકોએ 'એન્ટેરોમિક્સ' નામની રસી બનાવી છે, જે ક્લિનિકલ ટ્રાયલમાં ૧૦૦ ટકા અસરકારક અને સુરક્ષિત સાબિત થઈ છે. હવે સરકાર તરફથી મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે. આ રસી માત્ર રશિયા જ નહીં સમગ્ર દુનિયામાં કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ બની છે.

એમઆરએનએ આધારિત રસી ઈમ્યુન સિસ્ટમને કેન્સરના કોશોનો નાશ કરે તેવી બનાવશે, આડઅસરો નથી ઃ વૈજ્ઞાનિકો

રશિયાની ફેડરલ મેડિકલ એન્ડ બાયોલોજિકલ એજન્સી (એફએમબીએ)નાં પ્રમુખ વેરોનિકા સ્ક્વોર્ત્સોવાએ કહ્યું કે, રશિયા એન્ટરોમિક્સ કેન્સર રસી હવે ઉપયોગ માટે તૈયાર છે. એમઆરએનએ આધારિત આ રસીએ પ્રીક્લિનિકલ બધા જ ટેસ્ટ સફળતાપૂર્વક પાર કર્યા છે, જેનાથી તેની સુરક્ષા અને અસરકારક્તા સાબિત થઈ ગયાં છે. આ રસીનું પ્રારંભિક લક્ષ્ય આંતરડાનું કેન્સર (કોલન કેન્સર) હશે. આ રસી કેન્સર વિરુદ્ધ અત્યાધુનિક અને પર્સનલાઈઝ્ડ ઈમ્યુનોથેરેપીરૂપ છે. આ રસીને જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવતા પહેલાં સ્વાસ્થ્ય મંત્રાલયની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

 એફએમબીએનાં પ્રમુખ વેરોનિકાએ વેરોનિકાએ વ્લાદિવોસ્તોકમાં ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં રસી બનાવવાની જાહેરાત કરી હતી. આ ફોરમમાં ૭૫થી વધુ દેશોમાંથી ૮,૪૦૦થી વધુ પ્રતિનિધિઓ હાજર હતા. સ્ક્વોર્ત્સોવાએ કહ્યું કે, આ સંશોધન અનેક વર્ષો સુધી ચાલ્યું છે, જેમાં છેલ્લા ત્રણ વર્ષ માત્ર ફરજિયાત પ્રી-ક્લિનિકલ અભ્યાસ જ કરવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, પ્રી-ક્લિનિકલ ટ્રાયલ્સ રસીની સુરક્ષા, વારંવાર ઉપયોગ છતાં તેની અસરકારક્તાની પુષ્ટી કરે છે. સંશોધકોએ આ સમયમાં ટયૂમરનો આકાર ઘટાડયો અને ટયુમરનો વિકાસ અટકાવ્યો હતો. વધુમાં રસીએ કેટલાક કિસ્સામાં કેન્સરની કોશિકાઓને સંપૂર્ણપણે ખતમ કરવામાં પણ સફળતા મેળવી છે. આ સિવાય કેટલાક અભ્યાસોમાં રસીના કારણે દર્દીના જીવિત રહેવાના દરમાં વૃદ્ધિના પણ સંકેત મળ્યા હતા.

 

 

(7:17 PM IST)