<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

ઘોર કળિયુગઃ ૩૯ વર્ષની મહિલા ૬૭ વર્ષની દાદીના પ્રેમમાં પાગલ થઈઃ બિચ પર જઈને બંનેએ લગ્ન કરી લીધા

પ્રેમ આંધળો હોય છે, તે જાતિ, ધર્મ, સમુદાય, અમીરી, ગરીબી જોતો નથી. પણ ૨૧મી સદીનો પ્રેમ તો હવે લિંગ પણ નથી જોતો

 

અલબામા તા.૧૩: કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, તે જાતિ, ધર્મ, સમુદાય, અમીરી, ગરીબી જોતો નથી. પણ ૨૧મી સદીનો પ્રેમ તો હવે લિંગ પણ નથી જોતો. અમેરિકાની એક છોકરી પોતાની માતાથી પણ મોટી ઉંમરની મહિલા સાથે પ્રેમમાં પડી. બંનેને એકબીજા સાથે રહેવાનું એટલું પસંદ આવ્‍યું છે કે તેમણે લગ્ન કરી લીધા. બંનેની ઉંમરમાં ૨૮ વર્ષનો તફાવત છે. એટલું જ નહીં છોકરીનો જે સાવકો દીકરો છે, તે પણ તેનાથી ઉંમરમાં મોટો છે.

અલબામાની ૩૯ વર્ષીય ક્‍લેયર ટેલર હાઉકેડાલ અને શિકાગોની ૬૭ વર્ષીય ટેમી હાઉકેડાલની મુલાકાત ટિકટોક પર થઈ હતી. નવેમ્‍બર ૨૦૨૨માં ટેમીએ ક્‍લેયરનો એક વીડિયો જોયો, જેમાં તે પોતાના દિવંગત પાર્ટનરને શ્રદ્ધાંજલિ આપી રહી હતી. ટેમી સંવેદનશીલતાથી પ્રભાવિત થઈ અને ધીમે ધીમે બંને વચ્‍ચે વાતચીત શરૂ થઈ. શરૂઆતમાં આ સંબંધ એક જૂના જમાનાના રોમેન્‍ટિક પત્રાચાર જેવો લાગતો હતો. બે અઠવાડિયાની અંદર ટેમીને અનુભવ થયો કે તે ક્‍લેયરને પ્રેમ કરવા લાગી છે. જાન્‍યુઆરી ૨૦૨૩માં ક્‍લેયર પહેલી વાર ૯૧૬ માઈલ દૂર શિકાગો પહોંચી અને બંનેની આમને-સામને મુલાકાત થઈ. પહેલી જ મુલાકાતમાં બંનેને અનુભવ થઈ ગયો કે તેઓ એકબીજા માટે બન્‍યા છે. ત્‍યાર બાદ સતત એકબીજાને મળતા રહ્યા. મે ૨૦૨૩માં તેમણે નિર્ણય લીધો કે હવે તેઓ અલગ રહી શકશે નહીં.

સપ્‍ટેમ્‍બર ૨૦૨૩માં રજા પર ટેમીએ ક્‍લેયરને શાનદાર સૂર્યાસ્‍તની વચ્‍ચે એક દરિયા કિનારે પ્રપોઝ કર્યું. આ ક્ષણ તેમણે ખાસ ફોટોગ્રાફર દ્વારા કેમેરામાં કેદ પણ કરી લીધી. ઓગસ્‍ટ ૨૦૨૪માં બંનેએ એ જ જગ્‍યા પર લગ્ન કર્યા. લગ્ન બાદ તે અલબામાથી ફલોરિડાના પેનસકોલામાં શિફટ થઈ ગઈ. જો કે તેમના સંબંધને લઈને ઘણી વાર મેણા સાંભળવા પડે છે. ટેમી, જે રિટાયર્ડ પોલીસ કમાન્‍ડર છે, તે જણાવે છે કે લોકો હંમેશા તેને ક્‍લેયરની માતા સમજે છે, ક્‍યારેક ક્‍યારેક લોકો પૂછે છે કે કેમ એક પુરુષની માફક કપડાં પહેરે છે? સોશિયલ મીડિયા પર પણ બંનેને ખૂબ જ ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. એક વાર ક્રિસમસના અવસર પર કોઈએ ક્‍લેયરને કહ્યું કે, કેટલું સારું છે કે તમે તમારી માતા સાથે જશ્ન મનાવી રહ્યા છો.

ક્‍લેયર, જે વ્‍યવસાયે ઇન્‍વેસ્‍ટમેન્‍ટ મેનેજર છે, માને છે કે આ વિચાર ખોટો છે કે ઉંમરનો તફાવત મતલબ સંબંધમાં મા-દીકરી જેવી ભાવના હોવી. તેમના અનુસાર, કેટલાય લોકો ઉંમરથી મોટા અથવા નાના પાર્ટનર તરફ આકર્ષિત થાય છે અને તેમાં કંઈ અસામાન્‍ય નથી. બંનેએ ખુલ્‍લી રીતે ચર્ચા પણ કરી છે કે ભવિષ્‍યમાં ઉંમરની અસર તેમના સંબંધ પર કેવી થશે. ક્‍લેયર કહે છે કે ૨૦ વર્ષ બાદ ટેમી ૮૫ વર્ષની થઈ જશે, પણ તેના વિશે ઝનૂની ન થઈ શકાય. તેમનું માનવું છે કે જે સમય તેમની પાસે છે, તેને ભરપૂર જીવવો સૌથી મહત્ત્વનો છે. ટેમી પણ માને છે કે તે ખૂબ જ એક્‍ટિવ અને ફિટ છે, એટલું જ નહીં આ તેમના સંબંધોની તાકાત છે. ટેમી કહે છે કે ૬૪ વર્ષની ઉંમરમાં ક્‍લેયર તેના જીવનમાં આવેલી અને તેણે તેના જીવનમાં એક નવી ઊર્જા ભરી દીધી. તેને એવો પ્રેમ મળ્‍યો, જેવો પહેલા ક્‍યારેય અનુભવાયો નથી. ક્‍લેયર અને ટેમીનું માનવું છે કે તેમનો સંબંધ આ સાબિત કરે છે કે પ્રેમ ઉંમર, સમાજ અને ટીકાઓથી હટકે હોય છે.(૩૮.૫)

(10:03 AM IST)