<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

બ્રિટનમાં જોવા મળ્યા અનોખા લગ્ન

હનીમૂન માટે કપલે QR કોડ લગાવી પૈસા ભેગા કર્યા :રિસેપ્શનમાં ગિફ્ટના બદલે ટેપ-એન્ડ-પે ની વ્યવસ્થા કરી દીધી

નવી દિલ્હી: લગ્નને યાદગાર બનાવવા માટે લોકો હંમેશા કંઈક અનોખુ કરવાનો પ્રયાસ કરે છે. ક્યાંક દુલ્હનની એન્ટ્રીને ખાસ બનાવવામાં આવે છે, તો ક્યાંક ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ તમામનો હેતુ માત્ર એટલો જ હોય છે કે, આ ક્ષણ યાદગાર બને અને મહેમાનો તેને ક્યારેય ભૂલી ન શકે. હવે બ્રિટનના એક કપલે પોતાના લગ્નને જે અંદાજમાં ખાસ બનાવ્યા, તેણે બધાનું ધ્યાન ખેંચ્યુ છે. અહીં ગિફ્ટસના બદલે મહેમાનો પાસેથી સીધુ હનીમૂન ફંડ એકત્ર કરવાનો આઈડિયા અપનાવવામાં આવ્યો. 

બ્રિટનના બકિંઘહામશાયરમાં રહેતા ક્રિસ માર્ટિન અને તાશા વ્હાઈટના તાજેતરમાં જ લગ્ન થયા. આ અવસર પર તેમણે 140 મહેમાનો વચ્ચે કાર્ડ મશીન અને QR કોડ લગાવ્યો, જેથી લોકો ગિફ્ટ્સના બદલે સીધા હનીમૂન ફંડમાં પૈસા નાખી શકે.

લગ્નના બીજા જ દિવસે બંને હનીમૂન પર મેક્સિકો રવાના થવાના હતા, પરંતુ તેના માટે તેમને પૈસાની જરૂર હતી. આ જ કારણ હતું કે, તેમણે પોતાના રિસેપ્શનમાં ગિફ્ટ્સના બદલે ટેપ-એન્ડ-પે ની વ્યવસ્થા કરી દીધી. 

મર્સિડીઝમાં કામ કરતા ક્રિસ માર્ટિને આ આઈડિયા પાછળનું કારણ પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, 'અમારી પાસે પહેલાથી જ ઘર છે અને જીવન જરૂરિયાતની દરેક વસ્તુ છે. કોઈને પાંચ ટોસ્ટર અને દસ કોફી મશીનની જરૂર નથી હોતી. અમને વાસ્તવમાં અમારા ડ્રીમ હનીમૂનને સાચુ બનાવવા માટે મદદની જરૂર હતી.' 

આ અવસર પર કાર્ડ મશીનો અને QR કોડ ઉપલબ્ધ કરનારી કંપની Lopayના ફાઉન્ડર રિચર્ડ કાર્ટરે પણ ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, આનાથી મહેમાનો માટે ગિફ્ટ આપવાની પ્રક્રિયા ઘણી સરળ બની છે. અને સાચુ કહીએ તો કેટલાક ગેસ્ટ તો સેલિબ્રેશનમાં વધુ ઉદાર બની ગયા હતા. 

(6:46 PM IST)