તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st October 2025
અમેરિકાની દબંગાઈને તાઇવાને બતાવ્યો અરીસો
તાઇવાન પોતાના 50ટકા સેમિકન્ડક્ટર ઉત્પાદને અમેરિકન ભૂમિ પર શિફ્ટ કરે તેવા અમેરિકાના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો:તાઇવાનના નાયબ વડા પ્રધાને આપ્યું આ નિવેદન

નવી દિલ્હી: વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં અમેરિકાની દબંગાઈને નાનકડા દેશ તાઈવાને અરીસો બતાવ્યો છે. તાઈવાને સ્પષ્ટ કરી દીધું છે કે અમે અમેરિકાના આ પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરીશું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તાઈવાન પોતાના 50% સેમિકન્ડક્ટર ઉત્પાદને અમેરિકન ભૂમિ પર શિફ્ટ કરે. તાઈવાનના નાયબ વડા પ્રધાન ચેંગ લી-ચ્યુને બુધવારે આ નિવેદન આપ્યું હતું. ચેંગ લી-ચ્યુન તાઈવાનના મુખ્ય ટેરિફ વાટાઘાટકાર પણ છે.
ચેંગે સ્પષ્ટ કરી દીધું કે '50-50 ચિપ ઉત્પાદન વિભાજનનો વિચાર માત્ર અમેરિકાનો છે અને તાઈવાને ક્યારેય આ દિશામાં કોઈ પ્રતિબદ્ધતા નથી આપી. હું સ્પષ્ટ કરવા માગુ છું કે આ અમેરિકાનો વિચાર છે. અમારી વાટાઘાટ ટીમે ક્યારેય આવી કોઈ પણ બાબત પર સહમતિ નથી આપી. કૃપા કરી નિશ્ચિંત રહો, અમે આ મુદ્દા પર કોઈ ચર્ચા નથી કરી અને આવી કોઈ શરતો સ્વીકારીશું નહીં.'
ચેંગ તાજેતરમાં વોશિંગ્ટનથી પરત ફર્યા છે, જ્યાં તેમણે અમેરિકન ટેરિફ પર વાટાઘાટ કરી હતી. તેમણે કહ્યું કે વાટાઘાટોમાં કેટલીક પ્રગતિ થઈ છે, પરંતુ હજુ સુધી અંતિમ કરાર નથી થયો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે તાઈવાનથી આવતા સેમિકન્ડક્ટર્સ પર અસ્થાયી રૂપે 20% ટેરિફ લગાવ્યો છે. આ પગલાથી તાઈવાનના ઉદ્યોગ ગજતમાં ચિંતા વધી છે. ટ્રમ્પે એ પણ ચેતવણી આપી છે કે અમે સેમિકન્ડક્ટર્સ પર મોટો ટેરિફ લગાવવા પર વિચાર કરી રહ્યા છીએ.
તાજેતરના મહિનાઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીની માગમાં મોટો ઉછાળો આવ્યો છે. જેના કારણે તાઈવાન અને અમેરિકા વચ્ચે વેપાર ખાધ વધુ વધી છે. અમેરિકન ડેટા પ્રમાણે તાઈવાનની યુએસમાં થતી 70 ટકાથી વધુ નિકાસ માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી (ICT) ક્ષેત્ર સાથે સંબંધિત છે, જેમાં ચિપ્સ પણ સામેલ છે. આ દબાણને ઘટાડવા માટે તાઈવાને અમેરિકામાં વધુ રોકાણ કરવા, વધુ અમેરિકન ઊર્જા ખરીદવા અને તેના સંરક્ષણ ખર્ચને GDPના ત્રણ ટકાથી વધુ વધારવાનો વાયદો કર્યો છે.
તાઈવાન વર્તમાનમાં વિશ્વના 50 ટકાથી વધુ સેમિકન્ડક્ટર બનાવે છે, જેમાં લગભગ તમામ ઉચ્ચ-ટેક ચિપ્સનું સંપૂર્ણ ઉત્પાદન તે જ કરે છે. તેને લાંબા સમયથી તાઈવાનનું "સિલિકોન શીલ્ડ" માનવામાં આવે છે. આ એક એવી વ્યૂહાત્મક ઢાલ છે જે ચીન દ્વારા આક્રમણ અથવા નાકાબંધીની સ્થિતિમાં અમેરિકાને તાઈવાનની સુરક્ષામાં સામેલ થવા માટે મજબૂર કરે છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
