<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

ઇઝરાયલ વિરુદ્ધ યુદ્ધ ખતમ કરવા માટે હમાસે ટ્રમ્પની 20માંથી 2 શરતો કરી નામંજૂર

ટ્ર્મપે તેમની શાંતિ યોજનાના ભાગ રૂપે 20 મૂદાનો પ્રસ્તાવ કર્યો હતો રજૂ:72 કલાકનો સમય પણ આપવામાં આવ્યો હતો:હમાસે આ પૈકી બે મુખ્ય શરતો પર ઉઠાવ્યો પ્રશ્ન

 નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તાજેતરમાં ગાઝામાં શાંતિ અને યુદ્ધવિરામની શરતો પર સંમત થયા છે. પ્રમુખ ટ્રમ્પે તેમની શાંતિ યોજનાના ભાગ રૂપે 20-મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર ઇઝરાયલે સંમતિ આપી છે, પરંતુ હમાસે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. હમાસે આ યોજના પર જવાબ આપવા માટે 72 કલાકનો સમય આપવામાં આવ્યો છે. જો કે, પેલેસ્ટિનિયન સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, હમાસે ટ્રમ્પની 20 મુદ્દા યોજનામાં બે મુખ્ય શરતો પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, હમાસના અધિકારીઓ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનામાં નિઃશસ્ત્રીકરણની જોગવાઈઓમાં સુધારા ઇચ્છે છે. આ અંગે માહિતી નજીકના પેલેસ્ટિનિયન સ્રોત દ્વારા પૂરી પાડવામાં આવી હતી. નામ ન આપવાની અરજી કરતાં સૂત્રે જણાવ્યું હતું કે, હમાસના પ્રતિનિધિઓએ મંગળવારે દોહામાં તુર્કી, ઇજિપ્ત અને કતારના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન, તેઓએ ટ્રમ્પની બે શરતો સાથે અસંમતિ વ્યક્ત કરી હતી અને ફેરફારો ઇચ્છતા હતા.
પેલેસ્ટિનિયન સ્રોતે જણાવ્યું હતું કે, હમાસ તેના જૂથના નિઃશસ્ત્રીકરણ અને ગાઝામાંથી તેના લડવૈયાઓને હાંકી કાઢવા જેવી કેટલીક જોગવાઈઓમાં સુધારો કરવા માંગે છે. વધુમાં હમાસના નેતાઓ ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયલની સેનાને સંપૂર્ણપણે પાછી ખેંચી લેવા માટે આંતરરાષ્ટ્રીય ગેરંટી ઇચ્છે છે. હમાસના સભ્યો એ પણ સુનિશ્ચિત કરવા માંગે છે કે તેમના લોકો પર ગાઝાની અંદર કે બહાર ક્યાંય પણ હુમલો ન થાય, અને આંતરરાષ્ટ્રીય સમુદાય ખાતરી આપે કે ભવિષ્યમાં હમાસના સભ્યોની હત્યા કરવામાં આવશે નહીં.

 

(6:06 PM IST)