<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

પુતિને અમેરિકાના ટેરિફ સંબંધિત નિર્ણયો પર કર્યો કટાક્ષ

તમામ પ્રતિબંધો અને ટેરિફ લગાવ્યા બાદ અમેરિકાએ રશિયા પાસેથી યુરેનિયમ ખરીદી રહ્યું હોવાની કહી વાત:અમેરિકાને યુરેનિયમનો સપ્લાય કરતો બીજો સૌથી મોટો દેશ છે રશિયા

નવી દિલ્હી: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકા સાથે ચાલી રહેલા વેપાર તણાવ વચ્ચે અમેરિકાના ટેરિફ સંબંધિત નિર્ણયો પર કટાક્ષ કર્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરતાં પુતિને કહ્યું કે, તમામ પ્રતિબંધો અને ટેરિફ લાદ્યા બાદ અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમની ખરીદી કરી રહ્યું છે અને તેનાથી રશિયાને મોટી કમાણી થઈ રહી છે. પુતિને વલ્દાઈ ડિસ્કશન ક્લબમાં પ્લેનરી સેશન દરમિયાન કહ્યું કે, રશિયા અમેરિકાને યુરેનિયમનો સપ્લાય કરતો બીજો સૌથી મોટો દેશ છે. 2025માં તેનાથી લગભગ 1.2 અબજ ડોલરની કમાણી થવાની અપેક્ષા છે. અમેરિકાના કુલ ન્યૂક્લિયર ફ્યુલનો લગભગ 60 ટકા હિસ્સો એક અમેરિકન-યુરોપિયન કંપની સપ્લાય કરે છે. જ્યારે બાકીનો 25 ટકા હિસ્સો રશિયામાંથી સપ્લાય થાય છે.

પુતિને એક રિપોર્ટને ટાંકીને કહ્યું હતું કે, 2024માં રશિયાએ અમેરિકાને યુરેનિયમ વેચી આશરે 80 કરોડ ડોલરની કમાણી કરી હતી. 2025ના પ્રથમ છ માસમાં આ આંકડો 80 કરોડ ડોલરે પહોંચ્યો છે. આ વર્ષના અંત સુધીમાં 1.2 અબજ ડોલરની કમાણી થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે, પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ખરીદનારા ભારત પર મસમોટો 25 ટકા વધારાનો ટેરિફ લાદ્યો છે. એક બાજુ અમેરિકા અન્ય દેશોને રશિયા સાથે વેપાર કરવાની ના પાડે છે, અને પોતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં યુરેનિયમ ખરીદી રહ્યું છે. પુતિને અમેરિકાના આ ડબલ સ્ટાન્ડર્ડ પર કટાક્ષ કર્યો હતો.

ટ્રમ્પે ઓગસ્ટના અંતમાં ભારત પર 25% ટેરિફ લાદ્યો હતો. અને બાદમાં ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદી તેને યુક્રેન સામે યુદ્ધ માટે ફંડ પૂરુ પાડી રહ્યું હોવાનો આરોપ મૂકી ટેરિફ બમણો કરીને 50% કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આ નિર્ણય ભારતને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ સજા આપવા લેવામાં આવ્યો છે. રશિયાની ક્રૂડ મારફત થતી કમાણીના પૈસા યુક્રેન યુદ્ધમાં વાપરી રહી છે. વાસ્તવમાં, રશિયાનો સૌથી મોટો ક્રૂડ ખરીદનાર ભારત નહીં પણ ચીન છે. જો કે, ચીન પર આ મામલે કોઈ વધારાનો ટેરિફ લાદ્યો નથી. બીજી તરફ અમેરિકા પોતે રશિયા પાસેથી કેમિકલ્સ, યુરેનિયમ અને ફર્ટિલાઈઝર્સ ખરીદી રહી છે.

(5:46 PM IST)