<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

અફઘાન-તાલિબાને પાકિસ્તાનના 62 સૈનિકોનો સફાયો કર્યો હોવાની માહિતી

અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની એરસ્ટ્રાઇકના બદલામાં તાલિબાનોએ આપ્યો કરારો જવાબ:65 સૈનિકોને મારી નાખવાની સાથે 24થી વધુ પોસ્ટ કબ્જે કર્યાનો પણ દાવો કરવામાં આવ્યો

નવી દિલ્હી:  અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની એરસ્ટ્રાઈકના જવાબમાં તાલિબાનોએ શનિવારની મોડી રાતે ડુરાંડ લાઈન પર પાકિસ્તાની ચોકીઓ પર હુમલો કર્યો હતો, જેમાં તાલિબાનોએ પાકિસ્તાનના ૬૫ સૈનિકોને મારી નાંખવાનો અને ૨૪થી વધુ પોસ્ટ કબજે કર્યાનો દાવો કર્યો હતો. બીજીબાજુ પાકિસ્તાને પણ તાલિબાનના ૨૦૦થી વધુ સૈનિકોને મારવાનો અને પોતાના ૨૩ સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કર્યો હતો. વધુમાં તાલિબાનોના હુમલાના જવાબમાં પાકિસ્તાને કંધાર સહિત કેટલાક શહેરોમાં ડ્રોન હુમલો કર્યો હતો.
પાકિસ્તાને ડુરાન્ડ લાઈન પર તેહરીક-એતાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના સ્થળો પર હવાઈ હુમલો કર્યા પછી અફઘાન તાલિબાનોએ શનિવારે મોડી રાત પછી ડુરાંડ લાઈન પર પાકિસ્તાની ચોકીઓ પર હુમલો કર્યો હતો. તાલિબાનો અને પાકિસ્તાન વચ્ચે આ અથડામણ એવા સમયે થઈ છે જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિરખાન મુત્તકી ભારતના એક સપ્તાહના પ્રવાસે આવ્યા છે.
અફઘાનિસ્તાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે રવિવારે જણાવ્યું હતું કે, શનિવારે મોડી રાત પછી અફઘાનિસ્તાન ઈસ્લામિક અમિરાતના સૈન્ય અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં પાકિસ્તાનના ૬૫ સૈનિકો માર્યા ગયા અને ૩૦ ઘાયલ થયા હતા. આ સમયે અફઘાન સૈન્યે મોટા પ્રમાણમાં પાકિસ્તાની હથિયારો પણ જપ્ત કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, આ સંઘર્ષમાં અફઘાન સેનાના ૨૦થી જવાન માર્યા ગયા અથવા ગાયલ થયા છે. જોકે, કતર અને સાઉદી અરબની વિનંતીથી પાકિસ્તાન વિરોધી સૈન્ય કાર્યવાહી અટકાવી દેવાઈ છે.
અફઘાન પ્રવક્તાએ કાબુલમાં જણાવ્યું કે, ડુરાન્ડ લાઈન પર પાકિસ્તાનના હવાઈ હુમલાના જવાબમાં અફઘાન સેનાએ કાર્યવાહી કરી હતી. પાકિસ્તાન પોતાની જમીન પર આઈએસઆઈએસ જેવા આતંકી જૂથોને આશરો આપે છે. આ જૂથો અફઘાનિસ્તાનમાં આતંકી હુમલા કરે છે. પાકિસ્તાને આતંકીઓને આશરો આપવાનું બંધ કરીને તેમને તાલિબાન સરકારને સોંપી દેવા જોઈએ.
દરમિયાન પાકિસ્તાન આર્મીએ રવિવારે દાવો કર્યો હતો કે, અફઘાનિસ્તાન ટીટીપીના આતંકીઓને આશરો આપી રહ્યું છે. શનિવારે તાલિબાન અને ટીટીપીના આતંકીઓના સંયુક્ત હુમલાનો જડબાતોડ જવાબ અપાયો હતો અને તાલિબાન તથા તેની સાથે સંકળાયેલા ૨૦૦ આતંકીઓનો સફાયો કરી દેવાયો હતો. જોકે, આ ઘર્ષણમાં પાકિસ્તાનના ૨૩ સૈનિકો માર્યા ગયા હતા. વધુમાં પાકિસ્તાની આર્મીએ અફઘાન સૈન્યની ૧૯ પોસ્ટ પર કબજો કરી લીધો છે.

 

(5:48 PM IST)