<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

લગ્ન કરવા સાઉથ કોરિયા, સરકાર આપી રહી છે રૂ.૧૨ લાખ, ડેટિંગથી લઈને હનીમૂન સુધીનો ખર્ચો પણ ઉઠાવશે

લગ્નવાંચ્‍છુક માટે જબરદસ્‍ત ઓફર! આ દેશમાં ઘટતા જન્‍મદર અને વસ્‍તી એક મોટી સમસ્‍યા બની ગઈ છે, આ જ ધ્‍યાનમાં રાખીને દેશની સરકારે આ પગલું ભર્યુ છે

સીઉલા, તા.૧૫: આજના સમયમાં જ્‍યાં ઘણા લોકો લગ્નથી દૂર ભાગી રહ્યા છે, ત્‍યાં એક એવો દેશ છે જે લોકોને લગ્ન કરવા માટે પૈસા આપી રહ્યો છે! હા, તમે સાચું વાંચ્‍યું. અહીં લગ્ન કરશો તો તમને કોઈ ભેટ નહીં, પણ લાખો રૂપિયાનું ઈનામ મળશે! સાથે જ, સરકાર ડેટિંગથી લઈને હનીમૂન સુધીના ખર્ચ પણ આપી રહી છે. લગ્ન દરેકના જીવનમાં ખૂબ ખાસ પળોમાંથી એક છે. તેથી લોકો તેને ખૂબ ધૂમધામથી ઉજવતા હોય છે. ઘણા લોકો તો લગ્ન માટે લોન પણ લે છે. પ્રી-વેડિંગ હોય કે પછી પોસ્‍ટ-વેડિંગનું શૂટ લોકો લગ્નમાં જમાવટ કરે છે. પોતાના મિત્રો અને સગા-સંબંધીઓ સામે પોતાની ધાક જમાવવા માટે શું શું નથી કરતા.

આ તો આપણા ભારતના સંસ્‍કળતિની વાત થઈ, પરંતુ બીજી બાજુ દુનિયામાં એક એવો અનોખો દેશ છે જ્‍યાં કપલને પરણવા પર ૧૨ લાખ રૂપિયા આપવામાં આવે છે. હવે સવાલ એ થાય છે કે એવી કઈ સરકાર છે જે લગ્ન કરવા પર એટલા લાખ રૂપિયા આપી રહી છે? ચાલો જાણીએ.

આ દેશનું નામ છે સાઉથ કોરિયા. જ્‍યાંની સરકાર પરણવા વાળા કપલ્‍સને લાખો રૂપિયા ઓફર કરી રહી છે. હકીકતમાં આ દેશમાં ઘટતા જન્‍મદર અને વસ્‍તી એક મોટી સમસ્‍યા બની ગઈ છે. આ જ ધ્‍યાનમાં રાખીને દેશની સરકારે આ પગલું ભર્યું છે.

આ ઉપરાંત, અહીંની સરકાર કપલ્‍સને લગ્ન કરતા પહેલા ડેટિંગ, ત્‍યારબાદ એન્‍ગેજમેન્‍ટ અને હનીમૂન માટેના તમામ ખર્ચો પણ ઉઠાવી રહી છે. આ યોજનાનો ઉદ્દેશ્‍ય છે દેશની ઘટતી વસ્‍તીને વધારવી અને યુવાન લોકોને લગ્ન માટે પ્રોત્‍સાહિત કરવું.

સાઉથ કોરિયાના બુસાન શહેરમાં એક ખાસ મૅચમેકિંગ પ્રોગ્રામનું આયોજન થયું હતું. જેના અંતર્ગત લગ્ન કરનારા કપલ્‍સને લગભગ ૧૨ લાખ રૂપિયા મળ્‍યા છે. જ્‍યારે ગયા વર્ષના પ્રોગ્રામમાં નવા કપલ્‍સને ૩૧ લાખ રૂપિયા મળ્‍યા હતા. જણાવી દઈએ કે, સાઉથ કોરિયા દુનિયાના સૌથી ઓછા બર્થ રેટ ધરાવતા દેશોમાંનો એક છે.

કોરિયાની સરકાર વસ્‍તીને વધારવા માટે પ્રયત્‍ન કરી રહી છે. તેથી તેઓ નવી-નવી સ્‍કીમ્‍સ લોન્‍ચ કરી રહ્યા છે અને સરકારનો દાવો છે કે, પૈસાના માટે દરેક કોઈ આ પગલું ઉઠાવી શકે છે. રિપોર્ટ મુજબ, આ યોજના પોપ્‍યુલેશન પોલિસીનો ભાગ છે.

આ ઉપરાંત, એશિયાનો એક બીજો દેશ પણ આવી જ સમસ્‍યાનો સામનો કરી રહ્યો છે. જાપાનમાં બર્થ રેટ ૫૦ વર્ષના ઇતિહાસમાં ખૂબ નીચે આવી ગયો છે. સરકારનું કહેવું છે કે, વર્ષ ૨૦૩૫ સુધી આ સમસ્‍યાને દૂર કરી શકાય છે. તેથી જાપાન પણ યુવાન લોકોને લગ્ન કરવા અને બાળકો પેદા કરવા માટે પ્રોત્‍સાહિત કરી રહ્યો છે. 

(3:26 PM IST)