<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

રશિયા-યુક્રેન યુદ્ધના કારણોસર પ્રદુષણ પહોંચ્યું ખતરનાક સ્તરે

ત્રણ વર્ષમાં આશરે 237મિલિયન ટન કાર્બન ઉત્સર્જન થયું હતું:રશિયાએ શરૂઆતમાં જ યુક્રેનની પાઇપલાઇનો તોડી પાડી હતી

નવી દિલ્હી: દિવાળીના તહેવાર ચાલી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણની જાળવણી માટે ફટાકડા ન ફોડવા જોઈએ, એવી સલાહ આપનારાનો સોશિયલ મીડિયા પર રાફડો ફાટ્યો છે. સ્થાનિક સ્તરે વધેલા ભયાનક વાયુ પ્રદૂષણના કારણે આ વાત સાચી પણ છે. જો કે,  દુનિયાની મહાસત્તાઓ યુદ્ધના કારણે ફેલાતા પ્રદૂષણ વિશે ક્યારેય ગળું ખોંખારીને નથી બોલતા. હકીકત તો એ છે કે, દિવાળીમાં ફેલાતા પ્રદૂષણ કરતાં અનેકગણું વધુ વાયુ પ્રદૂષણ યુદ્ધોને કારણે થાય છે. ફક્ત હવા જ નહીં, યુદ્ધની વિભિશિકા તો જળ અને જમીનને પણ ખરાબ રીતે પ્રદૂષિત કરી નાંખે છે. ચાલો સમજીએ કે યુદ્ધ જેવી માનવનિર્મિત આપત્તિ પર્યાવરણ માટે કેટલી ખતરનાક સાબિત થાય છે.

બે દેશ વચ્ચે યુદ્ધ થાય ત્યારે થતી જાનહાનિ વિશે વાતો થાય છે, બંને પક્ષે પડેલા આર્થિક ફટકાના આંકડા પણ બહાર પડે છે, પરંતુ પર્યાવરણીય નુકસાનની ખુલ્લેઆમ અવગણના થાય છે. યુદ્ધખોર દેશો ઘણી માહિતી ગુપ્ત રાખે છે, જેના કારણે સંશોધકો યુદ્ધને લીધે પર્યાવરણને થયેલા નુકસાનના સચોટ ડેટા એકત્રિત કરી શકતા નથી. તેઓ ડેટા એકત્રિત કરવા માટે યુદ્ધ પ્રભાવિત વિસ્તારોમાં મુસાફરી પણ કરી શકતા નથી. આમ છતાં ‘ધ ઇનિશિયેટિવ ઓન ગ્રીનહાઉસ ગેસ એકાઉન્ટિંગ ઓફ વોર’ (IGGAW) નામનું સંશોધન જૂથ આ દિશામાં કામ કરે છે. IGGAWનો અહેવાલ જણાવે છે કે, રશિયા-યુક્રેન યુદ્ધના પહેલા ત્રણ વર્ષમાં આશરે 237 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન થયું હતું. વૈશ્વિક સ્તરે આશરે 175 નાના અને મધ્યમ કદના દેશો ભેગા મળીને પણ આટલું વાર્ષિક કાર્બન ઉત્સર્જન નથી કરતા! આ આંકડો યુદ્ધનો પર્યાવરણ પર કેવો ભીષણ પ્રહાર થાય છે, એ વાત કરે છે. યુક્રેનના હાઇ-વોલ્ટેજ પાવર નેટવર્ક પર રશિયન હુમલાથી સલ્ફર હેક્સાફ્લોરાઇડ બહાર આવ્યો હતો. આ અત્યંત ઝેરી ગેસની માત્રા આશરે 1 મિલિયન ટન જેટલી હતી.

રશિયાએ શરૂઆતમાં જ યુક્રેનની પાઇપલાઇનો તોડી પાડી હતી. આ રીતના હુમલાને લીધે સમુદ્રમાં મોટી માત્રામાં મિથેન ગેસ ભળે છે. એ જ રીતે ફેક્ટરીઓ પરના હુમલાના કારણે ઝેરી કેમિકલ જમીનમાં ભળે છે અને દાયકાઓ સુધી જમીનને પ્રદૂષિત કરી મૂકે છે.  રશિયા-યુક્રેન યુદ્ધ જેવો સશસ્ત્ર સંઘર્ષ પર્યાવરણ માટે વિનાશકારી સાબિત થાય છે. આવા યુદ્ધોમાં સૌથી વધુ પ્રદૂષણ નીચેના કારણોથી થાય છે. 

(7:06 PM IST)