<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

ખોરાકનો બગાડ વ્યક્તિગત સ્તરથી લઈને વિશાળ ઔધોગિક સ્તર સુધી પહોંચી ગઈ છે

અંદાજે 78 કરોડથી વધુ લોકો ભૂખમરાની ચપેટમાં જીવન વિતાવે છે:ખાદ્ય કચરો પર્યાવરણ,અર્થતંત્ર અને સમાજ આ ત્રણેય પર ગંભીર અસર કરે છે:ખોરાકનો વ્યય માત્ર અન્નની બરબાદી નહીં પરંતુ પૃથ્વીનું પર્યાવરણ પણ ગંભીર રીતે પ્રભાવિત થાય છે

નવી દિલ્હી: ખોરાકનો બગાડ એક એવી સમસ્યા છે જે વ્યક્તિગત સ્તરથી લઈને વિશાળ ઔદ્યોગિક સ્તર સુધી પ્રસરી ગઈ છે. ‘સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ’ (UNEP – યુનાઈટેડ નેશન્સ એન્વાયરન્મેન્ટ પ્રોગ્રામ) ના અહેવાલ ‘ફૂડ વેસ્ટ રિપોર્ટ 2024’ મુજબ દર વર્ષે એક ટ્રિલિયન ડોલરથી પણ વધુ મૂલ્યના ખોરાકનો બગાડ થાય છે, અને લગભગ 78 કરોડથી વધુ લોકો ભૂખમરાની ચપેટમાં જીવન વિતાવે છે. આ સમસ્યા પાછળ અનેક કારણો રહેલાં છે, જેમાં આપણી ખરીદીની આદતો, ખોરાકનું અતિશય ઉત્પાદન, સખત માપદંડોનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. ખાદ્ય કચરો પર્યાવરણ, અર્થતંત્ર અને સમાજ— એ ત્રણેય પર ગંભીર અસર કરે છે. ખોરાકનો વ્યય માત્ર અન્નની બરબાદી જ નથી, એનાથી પૃથ્વીનું પર્યાવરણ પણ ગંભીર રીતે પ્રભાવિત થાય છે. માનવનિર્મિત ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના ત્રીજા ભાગ માટે ખાદ્ય પ્રણાલીઓ જવાબદાર છે, જેમાં ખોરાકનો બગાડ દર વર્ષે લગભગ 8-10% ફાળો આપે છે. વધેલો અને બગાડેલો ખોરાક ડમ્પિંગ ગ્રાઉન્ડ કે લેન્ડફિલ (ખાલી જમીન)માં નાંખી દેવામાં આવે છે, જ્યાં તેમાં કોહવાટ થતાં મિથેન ગેસ પેદા થાય છે. ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાતા કાર્બન ડાયોક્સાઈડ કરતાં પણ વધુ શક્તિશાળી ગ્રીનહાઉસ વાયુ મિથેન ગેસ છે. આ રીતે વૈશ્વિક ખાદ્ય પ્રણાલીને લીધે વર્ષે અબજો મેટ્રિક ટન જેટલા હાનિકારક મિથેન ગેસનું ઉત્સર્જન થાય છે, જે વાતાવરણમાં ઘેરાઈ રહેતાં પૃથ્વીનું તાપમાન દિવસે ને દિવસે વધતું જ જાય છે.  ખોરાકનું ઉત્પાદન કરવા વપરાયેલા પાણી, જમીન અને ઊર્જાનો પણ વ્યય થાય છે, જેની કિંમત અબજો ડોલરમાં ગણાય છે. 

UNEP ના ફૂડ વેસ્ટ રિપોર્ટમાં જણાવાયું છે કે, વર્ષ 2022માં વિશ્વભરમાં 1.05 અબજ ટનથી પણ વધુ ખોરાકનો બગાડ થયો હતો. આ બગાડ મુખ્યત્વે ત્રણ સ્ત્રોતમાં થાય છે, રિટેલ સ્ટોર્સ, હોટલ-રેસ્ટોરન્ટ અને ઘરોના રસોડા. એ વર્ષે વિશ્વમાં પ્રતિ વ્યક્તિએ સરેરાશ 132 કિલો ખોરાકનો બગાડ થયો હતો, જેમાંથી 79 કિલો ખોરાકનો બગાડ ઘરેલુ રસોડામાંથી જ થયો હતો. એક રસપ્રદ નિરીક્ષણ એ છે કે, ઘરેલુ ખોરાક બગાડનું પ્રમાણ દેશની આર્થિક સમૃદ્ધિ પર આધારિત નથી. ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં પ્રતિ વ્યક્તિ 81 કિલો, ઉચ્ચ-મધ્યમ આવક ધરાવતા દેશોમાં 88 કિલો અને નિમ્ન-મધ્યમ આવક ધરાવતા દેશોમાં 86 કિલો ખોરાક બગાડ થાય છે. આ આંકડા સાબિત કરે છે કે ખોરાકનો વ્યર્થ થવો ફક્ત શ્રીમંત દેશોની જ સમસ્યા નથી, પણ સાર્વત્રિક સમસ્યા છે.

ખોરાક બગાડના સંદર્ભમાં જોઈએ તો વિશાળ વસ્તી ધરાવતા ચીન અને ભારત ટોચ પર છે. ચીન દર વર્ષે 108.7 મિલિયન ટન ખોરાક ફેંકી દે છે, જ્યારે ભારતનો આંકડો 78.1 મિલિયન ટન છે. અમેરિકા 24.7 મિલિયન ટન સાથે ત્રીજા સ્થાને છે. જોકે, પ્રતિ વ્યક્તિ બગાડનું પ્રમાણ જુદું છે. ભારતમાં પ્રતિ વ્યક્તિ 55 કિલો બગાડ થાય છે, જ્યારે અમેરિકામાં આ પ્રમાણ 73 કિલો છે. બ્રાઝિલ અને ઘાના જેવા દેશોમાં પ્રતિ વ્યક્તિ બગાડનું પ્રમાણ અનુક્રમે 94 અને 84 કિલો જેટલું છે, તો ફિલિપાઈન્સ અને રશિયા જેવા દેશોમાં આ પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું (અનુક્રમે 26 અને 33 કિલો) છે.

(6:21 PM IST)