<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે સમાધાનના પ્રયાસ થયા નિષ્ફ્ળ

સરકાર વચ્ચેનો વિવાદ હજુ સુધી નથી ઉકેલાયો:લગભગ નવ કલાક ચાલેલી બેઠકમાં કોઈપણ ઔપચારિક કરાર વિના સમાપ્ત કરવામાં આવી:શાંતિ વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ કતારની રાજધાની દોહામાં થયો હતો

નવી દિલ્હી: પાકિસ્તાન અને અફઘાન તાલિબાન સરકાર વચ્ચેનો વિવાદ ઉકેલાયો નથી રહ્યો. બંને દેશો વચ્ચે શાંતિ કરાર માટે વાટાઘાટો આગળ વધી રહી નથી. પાકિસ્તાને તાલિબાન પર હઠીલું વલણ અપનાવવાનો આરોપ મૂક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાને જણાવ્યું છે કે તાલિબાન પાયાવિહોણી દલીલો કરી રહ્યું છે. જે તદ્દન ખોટી છે. એકંદરે, તૂર્કિયેમાં તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે લગભગ નવ કલાક ચાલેલી બેઠક કોઈપણ ઔપચારિક કરાર વિના સમાપ્ત થઈ.

તાજેતરમાં બંને દેશો વચ્ચે સરહદી સંઘર્ષ બાદ બંને દેશો હવે સમાધાન માટે વાટાઘાટો કરી રહ્યા છે. કતાર અને તૂર્કિયે તેમની વચ્ચે મધ્યસ્થી કરાવી રહ્યું છે. શાંતિ વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ કતારની રાજધાની દોહામાં થયો હતો. વાતચીતનો બીજો રાઉન્ડ 19 ઑક્ટોબરના રોજ તૂર્કિયેની રાજધાની ઇસ્તંબુલમાં શરુ થયો હતો.

પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, પાકિસ્તાને તાલિબાનને આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં સહયોગ આપવાની માગ કરી છે. પાકિસ્તાને તાલિબાનને સરહદ પાર આતંકવાદના અસંખ્ય પુરાવા રજૂ કર્યા અને આ મુદ્દાના ઉકેલનો પ્રસ્તાવ મૂક્યો છે. પાકિસ્તાને આતંકવાદી પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને બંને દેશો વચ્ચે વેપાર મુદ્દાઓને ઉકેલવા માટે નીતિ વિકસાવવાની પણ ચર્ચા કરી હોવાના અહેવાલ છે.

અહેવાલ મુજબ, પાકિસ્તાન અને તાલિબાને બંને દેશો વચ્ચે રાજકીય સમજૂતી પર પણ ચર્ચા કરી હતી. જોકે, તાલિબાને કોઈ નક્કર પ્રતિભાવ આપ્યો નથી. પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે તાલિબાન સહયોગ કરવા કે જમીની વાસ્તવિકતાઓ સ્વીકારવા તૈયાર નથી. તૂર્કિયે પણ તાલિબાનને આ મુદ્દો ઉકેલવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલમાં પાકિસ્તાની અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભવિષ્યની કામગીરી તાલિબાનના નિર્ણય પર નિર્ભર રહેશે.

 

 

(6:50 PM IST)