News of Thursday, 30th October 2025
સાઉદી અરેબિયામાં ૧,૧૫૦ ફૂટ ઊંચે આકાશમાં ફૂટબોલનું ગ્રાઉન્ડ !
નીઓમ સિટી સ્ટેડિયમમાં ૪૬,૦૦૦ પ્રેક્ષકો બેસીને વિશ્વ કપ ફૂટબોલની મેચો માણી શકશેઃ ૮૮ અબજનો ખર્ચ

રિયાધ તા.૩૦: ફૂટબોલ ખેલાડીઓ ૩૫૦ મીટર (૧૧૫૦ ફૂટ) ઊંચે બનનારા મેદાન પર ફિફા વર્લ્ડ કપની મેચો રમશે એવું જો કોઈ વ્યક્તિને કહેવામાં આવે તો એ વ્યક્તિ માનવા તૈયાર જ ન થાય, પરંતુ કેટલાક અહેવાલો અનુસાર આ હકીકત બનવા જઈ રહી છે. સાઉદી અરેબિયા આટલી ઊંચાઈએ ફૂટબોલનું ‘સ્કાય સ્ટેડિયમ' તૈયાર કરવાનું છે.
૨૦૩૪નો ફિફા વર્લ્ડ કપ મધ્ય પૂર્વના દેશ સાઉદી અરેબિયામાં રમાવાનો છે અને એ માટે સાઉદી સરકારે અત્યારથી ચક્રો ગતિમાન કરી દીધા છે. ૨૦૨૭માં આ અદભુત અને વિશ્વભરના સૌથી અનોખા સ્ટેડિયમ (Stadium)નું બાંધકામ શરૂ કરવામાં આવશે અને પાંચ વર્ષમાં (૨૦૩૨ સુધીમાં) સ્ટેડિયમ તૈયાર કરી નાખવામાં આવશે. સાઉદીમાં ફિફા વર્લ્ડ કપની મેચો માટે કુલ ૧૧ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે અને આ સ્ટેડિયમ એમાંનું એક છે.
વિશ્વમાં તેલના ઉત્પાદક દેશોમાં સૌથી મોટા સામ્રાજ્ય તરીકે જાણીતા સાઉદી અરેબિયાના આ નીઓમ સિટી સ્ટેડિયમમાં ૪૬,૦૦૦ પ્રેક્ષકો બેસીને વિશ્વ કપ ફૂટબોલની મેચો માણી શકશે. આ ઐતિહાસિક સ્ટેડિયમ એક અબજ ડોલર (અંદાજે ૮૮.૨૫ અબજ રૂપિયા)ના ખર્ચે બનાવવામાં આવશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આ સ્કાય સ્ટેડિયમના પ્રોજેક્ટની વિગતો, ફોટો અને વીડિયો વાઇરલ થયા છે. જોકે કેટલાકનું માનવું છે કે ફોટો અને વિડીયો ડિજીટલી ઓલ્ટર્ડ છે અને સત્તાવાર ડિઝાઇન્સ સાથે એ અસંગત છે. આઇપીએલની લખનઊ સુપર જાયન્ટ્સ ટીમ અને ઇન્ડિયન સુપર લીગની મોહન બગાન નામની ફૂટબોલ ટીમના માલિક સંજીવ ગોયેન્કાએ એક્સ પર આ સંભવિત સ્ટેડિયમને અદ્યતન વિશ્વ સાથે જોડીને પોતાના વિચારો પ્રગટ કર્યા છે.
આ ઊંચા સ્કાય સ્ટેડિયમ સુધી પહોંચવા માટે હાઈ-સ્પીડ એલિવેટરની તેમ જ ઓટોનોમસ પોડ્સની વ્યવસ્થા રાખવામાં આવશે. ૨૧મી સદીનું આ સૌથી આધુનિક સ્ટેડિયમ બનાવવામાં સૂર્ય ઊર્જા તથા પવન ઊર્જા જેવા રીન્યૂએબલ્સનો જ ઉપયોગ કરાશે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
