News of Saturday, 8th November 2025
અફઘાનિસ્તાને પોતાનું વલણ મક્કમ રાખતા પાકિસ્તાનને થઇ નિરાશા
શાંતિ વાર્તા ફરી એકવાર કોઈપણ પરિણામ વગર જ થઇ ગઈ ખતમ:આતંકવાદના મુદ્દે પાકિસ્તાને સમજૂતી કરવાની કરી મનાઈ

નવી દિલ્હી: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા ફરી એકવાર કોઈપણ પરિણામ વિના ખતમ થઈ ચુકી છે. બંને દેશો વચ્ચે ત્રીજા તબક્કાની શાંતિ વાર્તા તુર્કીયે અને કતરની મધ્યસ્થતામાં ઇસ્તાંબુલમાં ચાલી રહી હતી. પાકિસ્તાનનું કહેવું છે કે, તે આતંકવાદના મુદ્દે સમજૂતી નહીં કરે. જોકે, અફઘાનિસ્તાને તહેરીક-એ-તાલિબાન પર લગામ લગાવવાનું કોઈ લેખિત વચન નથી આપ્યું. અફઘાનિસ્તાનનું કહેવું છે કે, તેઓ પોતાની ધરતીનો ઉપયોગ આતંકવાદ માટે નહીં થવા દે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, બંને દેશો વચ્ચે વાતચીત ખતમ થઈ ગઈ છે અને ચોથા તબક્કાની વાટાઘાટોને લઈને હાલ કોઈ પ્લાન નથી. જણાવી દઈએ કે, ગુરૂવારે બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ હતી. પાકિસ્તાન ઈચ્છતું હતું કે, અફઘાનિસ્તાન લેખિતમાં આપે કે, તે તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સામે એક્શન લેશે. આ સિવાય ખ્વાજા આસિફે તુર્કીયે અને કતરની મધ્યસ્થતા તેમજ તણાવને ઓછો કરાવવા માટે આભાર માન્યો છે.
ખ્વાજા આસિફે કહ્યું કે, અફઘાનિસ્તાન તેમની વાત માનવા તૈયાર હતું પરંતુ, લેખિતમાં સમજૂતી કરવા તૈયાર ન થયું. મધ્યસ્થતા કરનારા દેશોએ પોતાની તરફથી પ્રયાસમાં કોઈ કમી નથી છોડી. જો તેઓ આશાવાદી હોત તો અમને રોકાવાનું કહેતા. અમારે ખાલી હાથ પાછું આવવું પડ્યું અને એનાથી જાણ થઈ કે, કાબુલથી પણ તેઓ નિરાશ થઈ ગયા છે. જોકે, પાકિસ્તાનનું સ્ટેન્ડ હજુ સુધી બદલાયું નથી.
ગત મહિને શરૂ થયેલા સીમા વિવાદથી ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચે પેદા થયેલા તણાવના કારણે ઇસ્તાંબુલમાં ત્રીજા તબક્કાની વાટાઘાટો શરૂ થઈ હતી. આ પહેલાં 19 ઓક્ટોબરે દોહા અને 25 ઓક્ટોબરે ઇસ્તાંબુલમાં થયેલી બે તબક્કાની વાટાઘાટોમાં બંને પક્ષ વિવાદાસ્પદ મુદ્દા પર સંમતિ બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
