તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
હવેથી ફોનની બેટરી ખાઈ રહેલ એપને પહેલેથીજ ઓળખી લેવાશે
ફોનના સેટિંગ્સમાં જઈને કઈ એપ બેટરીનો કેટલો વપરાશ કરે છે તે તપાસીને બેટરીને વપરાતી બચાવી શકાશે:હવેથી આ કામ ગુગલ પ્લે સ્ટોરના લેવલે જ થશે

નવી દિલ્હી: એન્ડ્રોઇડ ફોનમાં ઘણી વાર એવું બનતું હોય છે કે આપણા ફોનની બેટરી આપણી ધારણા કરતાં વધુ ઝડપથી ઊતરતી રહે અને આપણે ફોન વારંવાર ચાર્જ કરવો પડે. આપણે ફોનમાં વધુ પડતા લાંબા સમય સુધી વીડિયો જોઇએ કે ગેમ રમીએ તો આવું થાય એ સમજી શકાય પરંતુ એવા વધુ પડતા ઉપયોગ વિના પણ બેટરી ઝડપથી ઊતરતી રહે તો આપણે કારણ તપાસવા ઊંડા ઊતરવું પડે (તમે જાણતા જ હશો કે ફોનની બેટરીનું ચાર્જિંગ ૮૦ ટકાના લેવલે અટકાવી દેવું હિતાવહ ગણાય છે).
આપણે જાણી છીએ કે આપણે ફોનમાં ઇન્સ્ટોલ કરેલી ઘણી એપ બેકગ્રાઉન્ડમાં સતત ચાલુ રહેતી હોય છે અને તે ઇન્ટરનેટ પરના સર્વર સાથે કનેક્ટ થઈને ડેટાની આપલે કરતી રહેતી હોય છે. આ કારણે આપણા ફોનની બેટરી ઝડપથી ઉતરે છે.
આ કારણ તો સમજી શકાય એવું છે પરંતુ એવી એપ શોધવી એ થોડી મગજમારીવાળું કામ છે. આપણે ફોનના સેટિંગ્સમાં બેટરી સેકશનમાં જઇને કઈ એપ બેટરીનો કેટલો વપરાશ કરે છે તે તપાસવું પડે.
હવે આ કામ સહેલું બની જશે. ગૂગલે પોતે એક નવી સિસ્ટમ વિકસાવી છે. જેની મદદથી ફોનમાંની બધી એપ બેટરીનો વધુ પડતો વપરાશ કરે છે તે તપાસવામાં આવશે અને આવી એપ્સને ઓળખીને આપણને તેની જાણ પણ કરવામાં આવશે.
આ કામ ગૂગલ પ્લે સ્ટોરના લેવલે જ થશે. આ સિસ્ટમ કંઈક એવી રીતે કામ કરશે કે ૨૪ કલાકના સમયગાળામાં બે કલાકથી વધુ સમય સુધી જે એપ અમુક નિશ્ચિત રીતે કામ કરશે અને ફોનની બેટરી પર વિપરિત અસર કરશે તેને અલગ તારવવામાં આવશે. ૨૮ દિવસના ગાળામાં કમસે કમ પાંચ ટકા યૂઝર્સના ફોનમાં જે એપ બેટરી પર વિપરિત અસર કરતી હશે તેને પુઅર બેટરી પર્ફોમર ગણવામાં આવશે.
મહત્ત્વની વાત એ છે કે આવી એપના ગૂગલ પ્લે સ્ટોરના લિસ્ટિંગ પેજ પર જ તે બેટરી પર વિપરિત અસર કરતી હોવાનું લેબલ લગાવવામાં આવશે. આ રેડ વોર્નિંગ લેબલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવશે કે આ એપ તેની હાઇ બેકગ્રાઉન્ડ એક્ટિવિટીને કારણે અપેક્ષા કરતાં વધુ બેટરી ખર્ચ કરી શકે છે. આ કારણે કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરતી વખતે જ આપણે એ એપની આપણા ફોનની બેટરી પર કેવી અસર થશે તે જાણી શકીશું અને તેને આધારે એપ ઇન્સ્ટોલ કરવી કે નહીં તે નક્કી કરી શકીશું.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
