તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
ઓએમજી.......ઇટાલીમાં બની ચાચી 420 જેવી ઘટના
મૃત માતાનું પેંશન શરૂ રાખવા માટે 56 વર્ષીય પુત્રએ માતાનું રૂપ ધારણ કર્યું:માતાના મૃતદેહને એક ઓરડીમાં જ બંધ રાખ્યો:આરોપીની માતા તેમના સ્વર્ગવાસી પતિને નામે મળતા પેન્શનની હકદાર હતી, જેની રકમ વાર્ષિક લગભગ 53,000 યુરો (આશરે રૂ. 54.79 લાખ) હતી: માતાનું મૃત્યુ જાહેર કરી દેવાય તો પેન્શન મળતું બંધ થઈ જાય એમ હોવાથી દીકરાએ માતાનો વેશ ધારણ કરી લીધો

નવી દિલ્હી: ઈટાલીનો આ ચોંકાવનારો કિસ્સો એક એવા પુરુષનો છે, જેણે નાણાકીય લાભ મેળવવા માટે તેની સ્વર્ગવાસી માતાની ઓળખ અને રૂપ ધારણ કર્યું હતું અને વર્ષો સુધી છેતરપિંડી કરતો રહ્યો હતો. 56 વર્ષના એક ઈટાલિયન પુરુષ (જેનું નામ પોલીસે જાહેર નથી કર્યું)ની વૃદ્ધ માતા નામે ગ્રેઝીએલા ડાલ'ઓગ્લિયો 2022માં 82 વર્ષની વયે મૃત્યુ પામ્યાં. માતાના અવસાન પછી દીકરાએ સત્તાધિકારીઓને મૃત્યુની જાણ કરવાને બદલે એક વિચિત્ર યોજના ઘડી કાઢી. તેણે માતાના મૃતદેહને ઘરના એક ઓરડામાં સંતાડી દીધો અને પોતે માતાનો વેશ ધારણ કરી લીધો. ટોપ, સ્કર્ટ અને વિગ પહેરીને, મેકઅપ કરીને, લિપસ્ટિક લગાડીને એ સમાજની નજરમાં 'ગ્રેઝીએલા' બની ગયો. માતા અને દીકરા બંનેના ચહેરામાં સામ્ય હતું જ, એટલે દીકરાએ મહિલા વેશ ધારણ કર્યો અને ઘરની બહાર જવા લાગ્યો ત્યારે પડોશીઓમાં પણ કોઈ આ બનાવટ પકડી ન શક્યું.
'ગ્રેઝીએલા'નો વેશ ધારણ કરવા પાછળ નાણાકીય લાભ મેળવવાની લાલચ હતી. આરોપીની માતા તેમના સ્વર્ગવાસી પતિને નામે મળતા પેન્શનની હકદાર હતી, જેની રકમ વાર્ષિક લગભગ 53,000 યુરો (આશરે રૂ. 54.79 લાખ) હતી. આ ઉપરાંત પરિવારની રિયલ એસ્ટેટ અને જમીનમાંથી પણ આવક થતી. માતાનું મૃત્યુ જાહેર કરી દેવાય તો પેન્શન મળતું બંધ થઈ જાય એમ હોવાથી દીકરાએ માતાનો વેશ ધારણ કરી લીધો. એમ કરીને તે વર્ષો સુધી છેતરપિંડી કરતો રહ્યો હતો. હવે તેના પર માતાને નામે લાખો યુરોની ગેરકાયદે આર્થિક મદદ લીધાનો આરોપ છે.
વર્ષો સુધી ચાલતી રહેલી છેતરપિંડીનો ભાંડો 16 નવેમ્બરના રોજ ફૂટી ગયો. 'ગ્રેઝીએલા'ના વેશમાં આરોપી માતાના ઓળખપત્રના નવીનીકરણ માટે બોર્ગો વર્જિલિયો શહેરની રજિસ્ટ્રી ઓફિસમાં હાજર થયો ત્યારે એક કર્મચારીને તેના પર શંકા ગઈ. કારણ એ હતું કે, 'ગ્રેઝીએલા'ની ગરદનના પાછલા ભાગમાં જાડા, કાળા વાળ હતા તથા હાથ અને દાઢી પર પણ છિદ્રો દેખાઈ રહ્યા હતા, જાણે ત્યાંના વાળ શેવ કરાયા હોય. નકલી 'ગ્રેઝીએલા'નો અવાજ તો સ્ત્રી જેવો હતો, પરંતુ ક્યારેક-ક્યારેક એના અવાજમાં પુરુષો જેવી કઠોરતા આવી જતી.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
