તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
ઓસ્ટ્રેલિયાની સરકારે બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો
એક વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાની સંસદે મંજૂરી આપી હતી:સમગ્ર વિશ્વમાં આ અત્યાર સુધીનો સૌથી કડક કાયદો મનાય છે:મંજૂરી મળ્યાના એક વર્ષ બાદ આ કાયદો શરૂ કરવામાં આવ્યો

નવી દિલ્હી: આપણે જાણીએ છીએ કે ઓસ્ટ્રેલિયાની સરકારે તેના દેશમાં ૧૬ વર્ષથી નાની ઉંમરના યૂઝર્સ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણયને એક વર્ષ પહેલાં નવેમ્બર ૨૦૨૪માં ઓસ્ટ્રેલિયાની સંસદે મંજૂરી આપી દીધી હતી. સોશિયલ મીડિયાના ઉપયોગ પર નિયંત્રણ મૂકતો આ કાયદો સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી કડક કાયદો મનાય છે. આ કાયદાની જાહેરાત લાંબા સમય પહેલાં થઈ ગઈ હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાની સંસદે તેને મંજૂરી આપી એ પછી પણ તેના સંપૂર્ણ અમલ માટે એક વર્ષ જેટલી સમય મર્યાદા આપવામાં આવી હતી.
એ સમય મર્યાદા હવે પૂરી થઈ છે. આવતા મહિનાથી જ એટલે કે ડિસેમ્બર ૨૦૨૫થી ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી નાની ઉંમરનાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં.
આ પ્રતિબંધની મુખ્ય અસર મેટા કંપની પર થશે. કેમ કે તેના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા પ્લેટફોર્મનો ૧૬ વર્ષથી નાની ઉંમરના યૂઝર્સ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. ઓસ્ટ્રેલિયામાં ફક્ત ઇન્સ્ટાગ્રામ પર સાડા ત્રણ લાખ જેટલા એક્ટિવ યૂઝર્સ ૧૩ થી ૧૫ વર્ષની ઉંમરના છે. જ્યારે ફેસબુક પર આ ઉંમરના લોકોનાં દોઢ લાખ જેટલાં એકાઉન્ટ હોવાનો સરકારનો અંદાજ છે.
આ પ્રતિબંધની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપરાંત સ્નેપચેટ, ટિકટોક તથા એક્સ જેવા પ્લેટફોર્મને પણ અસર થશે.
હવે મેટા કંપનીએ આ પ્રતિબંધનો અમલ કરવાની શરૂઆત કરી દીધી છે. એ અનુસાર કંપનીએ જે યૂઝર્સના એકાઉન્ટ બ્લોક થશે તેમને જાણ કરવાની શરૂઆત કરી દીધી છે અને કહ્યું છે કે એ યૂઝર્સ ૧૬ વર્ષની ઉંમર વટાવશે એ પછી તેઓ ફરી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ શરૂ કરી શકશે. આ પ્રતિબંધનો અમલ ડિસેમ્બર ૧૦, ૨૦૨૫થી શરૂ થશે. પરંતુ મેટા કંપની એ પહેલાં જ, ડિસેમ્બર ૪થી ૧૬ વર્ષથી નાની ઉંમરના યૂઝર્સના એકાઉન્ટ બ્લોક કરવાનું શરૂ કરશે.
કાચી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાની હાનિકારક અસરોથી બચાવવા માટે સમગ્ર વિશ્વમાં જુદી જુદી રીતે પ્રયાસો થાય છે કે ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ ઓસ્ટ્રેલિયાએ પહેલી વાર કડક કાયદો અમલમાં મૂક્યો છે. જો આ પ્રયાસ સફળ થશે તો વિશ્વના અન્ય દેશો પણ તેના પગલે ચાલે તેવી શક્યતા છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
