<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલ તઝાકિસ્તાનમાં એક ગંભીર ઘટના ઘટી

ગ્રેનેડ અને વિસ્ફોટથી ભરેલ ડ્રોન વડે કરવામાં આવેલ જીવલેણ હુમલામાં 3 ચીની નાગરિક એન્જીનીયર્સના મોત:આ હુમલો સરહદ પારથી કરવામાં આવ્યો હોવાની મંત્રાલયે કરી પુષ્ટિ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલા તાજિકિસ્તાનમાં એક ગંભીર સુરક્ષા ઘટના બની છે, જ્યાં ગ્રેનેડ અને વિસ્ફોટકોથી ભરેલા UAV(ડ્રોન) વડે કરવામાં આવેલા જીવલેણ હુમલામાં 3 ચીની નાગરિક એન્જિનિયર્સ માર્યા ગયા છે. તાજિકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, 'આ હુમલો સરહદ પારથી કરવામાં આવ્યો હતો અને દક્ષિણ-પશ્ચિમ ખટલોન વિસ્તારમાં એક માઇનિંગ સાઇટ પરના કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ હુમલો બુધવારે રાત્રે થયો હતો અને તેણે યૉલ બોર્ડર ડિટેચમેન્ટમાં ફર્સ્ટ બોર્ડર ગાર્ડ પોસ્ટ 'ઇસ્તિકલોલ' નજીક આવેલી LLC શોહિન SM વર્કર્સ કેમ્પને નિશાન બનાવ્યો હતો. આ કંપની, LLC શોહિન SM, તાજિકિસ્તાનમાં સોના સહિત અન્ય કિંમતી ધાતુઓના માઇનિંગનું કામ કરે છે. 

તાજિકિસ્તાને આ હુમલા માટે અફઘાનિસ્તાનના વિસ્તારમાં હાજર 'ક્રિમિનલ' અને 'આતંકવાદી જૂથો'ની ખતરનાક ગતિવિધિઓને જવાબદાર ઠેરવી છે. મંત્રાલયે આ હરકતોની સખત નિંદા કરી છે અને અફઘાન અધિકારીઓને તેમની સરહદને સ્થિર અને સુરક્ષિત કરવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, લગભગ 1350 કિલોમીટર લાંબી આ પહાડી સરહદ પર તણાવ ચાલુ રહે છે, તાજિકિસ્તાને અગાઉ ડ્રગ સ્મગલરોને મારવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો અને ઓગસ્ટમાં તાલિબાન લડવૈયાઓ સાથે ગોળીબાર પણ થયો હતો. આ ડ્રોન હુમલો પ્રાદેશિક જૂથ 'કલેક્ટિવ સિક્યુરિટી ટ્રીટી ઓર્ગેનાઇઝેશન(CSTO)'ની બેઠક પહેલાં થયો હતો.

(6:29 PM IST)