તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
પુત્રના મૃત્યુથી ભાંગી પડેલા પિતાને મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને લખ્યો હતો પત્રઃ જેમાં છુપાયેલું છે જીવનનું ગૂઢ સત્ય
૧૯૫૦માં લખાયેલો આ પત્ર માત્ર સાંત્વના સંદેશ ન હતો, પરંતુ તેમાં માનવ અસ્તિત્વ અને બ્રહ્માંડ સાથેના જોડાણની ઊંડી ફિલોસોફી હતીઃ આઈન્સ્ટાઈને કહ્યું હતું કે આપણે સૌ એક અખંડ બ્રહ્માંડનો જ ભાગ છીએ અને અલગ હોવું એ માત્ર એક ભ્રમણા છે : આઈન્સ્ટાઈનનો આ સંદેશ શીખવે છે કે વ્યક્તિગત દુઃખથી ઉપર ઉઠીને જ્યારે આપણે બ્રહ્માંડ સાથેના આપણા જોડાણને સમજીએ છીએ, ત્યારે મનને સાચી શાંતિ મળે છે

ન્યૂયોર્કઃ મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને આપણે સૌ તેમના ભૌતિકશાષના જાટિલ સિદ્ધાંતો માટે ઓળખીએ છીએ, પરંતુ તેઓ માનવ સ્વભાવ, કરુણા અને સંવેદનાઓને પણ એટલી જ ઊંડાઈથી સમજતા હતા. વિજ્ઞાનની સાથે સાથે અધ્યાત્મના તાર પણ તેમના વિચારોમાં જોવા મળતા હતા. તાજેતરમાં ચર્ચામાં આવેલો અને ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા પ્રકાશિત કરાયેલો તેમનો એક ઐતિહાસિક પત્ર આ વાતની સાબિતી આપે છે.
પત્ર પાછળની કરૂણ પૃષ્ઠભૂમિઃ આ ઘટના ૧૯૫૦ની સાલની છે. તે સમયે વર્લ્ડ જ્યુઈશ કોંગ્રેસના પોલિટિકલ ડિરેક્ટર તરીકે રોબર્ટ એસ. માર્કસ ફરજ બજાવતા હતા. રોબર્ટ એસ. માર્કસના જીવનમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી; તેમણે પોલીયોની બીમારીમાં તેમનો વહાલસોયો દીકરો ગુમાવ્યો હતો. યુવાન પુત્રના વિયોગમાં ડૂબેલા આ પિતાને સાંત્વના આપવા માટે આઈન્સ્ટાઈને એક પત્ર લખ્યો હતો. જોકે, આ પત્ર માત્ર એક સામાન્ય શોક સંદેશ બનીને ન રહ્યો, પરંતુ તેમાં આઈન્સ્ટાઈને જીવન, મૃત્યુ અને બ્રહ્માંડ વિશેના પોતાના ગૂઢ વિચારો રજૂ કર્યા હતા, જે આજે પણ લોકોને જીવન જીવવાની નવી દ્રષ્ટિ આપે છે.
આપણે બ્રહ્માંડનો જ એક અંશ છીએ આઈન્સ્ટાઈને પત્રમાં લખ્યું હતું કે, મનુષ્ય એ સમગ્ર બ્રહ્માંડનો જ એક ભાગ છે, જે સમય અને અવકાશમાં મર્યાદિત છે. તેમણે દુઃખી પિતાને સમજાવ્યું કે આપણે આપણી જાતને આપણા વિચારોને અને લાગણીઓને બીજા બધાથી અલગ સમજીએ છીએ, પણ ખરેખર તો આ આપણી ચેતનાનો એક પ્રકારનો ઓપ્ટિકલ ડિલ્યુઝન (દ્રષ્ટિભ્રમ) છે.
તેમણે કહ્યું હતું કે આ ભ્રમણા એક પ્રકારની જેલ જેવી છે. આ ભ્રમ આપણને આપણી વ્યક્તિગત ઈચ્છાઓ અને આપણી નજીકના ગણ્યાગાંઠ્યા લોકો સુધી જ સીમિત કરી દે છે. આપણે માનીએ છીએ કે આપણે અલગ છીએ, પણ વાસ્તવમાં આપણે એક વિશાળ અસ્તિત્વનો જ હિસ્સો છીએ.
દુઃખમાંથી મુક્તિ અને કરુણાનો માર્ગઃ પુત્ર ગુમાવનાર પિતાને દિશાસૂચન કરતા આઈન્સ્ટાઈને કહ્યું હતું કે, મનુષ્ય તરીકે આપણું કાર્ય આ જેલમાંથી મુક્ત થવાનું હોવું જોઈએ. આ માટે આપણે આપણી કરુણા (દયા) ના વર્તુળને વિસ્તારવું પડશે. જ્યારે આપણે માત્ર આપણા પરિવાર કે સ્નેહીજનો પૂરતા સીમિત ન રહીને, તમામ જીવંત પ્રાણીઓ અને પ્રકૃતિની સુંદરતાને સ્વીકારીશું અને પ્રેમ કરીશું, ત્યારે જ આપણે આ મર્યાદિત અસ્તિત્વના બંધનમાંથી મુક્ત થઈ શકીશું.
આ પત્ર બાદમાં ધ ક્વોન્ટમ એન્ડ ધ લોટસ પુસ્તકમાં પણ પ્રકાશિત થયો હતો. આઈન્સ્ટાઈનનો આ સંદેશ શીખવે છે કે વ્યક્તિગત દુઃખથી ઉપર ઉઠીને જ્યારે આપણે બ્રહ્માંડ સાથેના આપણા જોડાણને સમજીએ છીએ, ત્યારે મનને સાચી શાંતિ મળે છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
