News of Monday, 15th December 2025
વારંવાર બાથરૂમ જતો હતો એન્જિનિયરઃ કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યો
એન્જિનિયરે કંપની પર ગેરકાયદેસર બરતરફીનો કેસ દાખલ કર્યો હતો, પરંતુ કોર્ટે અંતે કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો

બીજીંગ,તા.૧૫: ચીનમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક એન્જિનિયરને કંપનીએ માત્ર એટલા માટે નોકરીમાંથી કાઢી મૂક્યો, કારણ કે તે કામ દરમિયાન કલાકો સુધી બાથરૂમમાં રહેતો હતો. આ ઘટના જિયાંગ્સુ પ્રાંતની છે, જ્યાં લી નામના આ એન્જિનિયરે કંપની પર ગેરકાયદેસર બરતરફીનો કેસ દાખલ કર્યો હતો. પરંતુ કોર્ટે અંતે કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો અને સમાધાન કરાવ્યું હતું.
લી વર્ષ ૨૦૧૦થી એક ટેક કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો અને તેણે ૨૦૧૪માં અનિશ્ચિત મુદતનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. કંપનીના નિયમો મુજબ, પરવાનગી વિના લાંબા સમય સુધી પોતાની પોસ્ટ છોડવી એ ગેરહાજરી માનવામાં આવે છે અને ૧૮૦ દિવસમાં ૩ દિવસની ગેરહાજરી પર તાત્કાલિક બરતરફી થઈ શકે છે. એપ્રિલથી મે ૨૦૨૪ની વચ્ચે લીએ ૨૬ કામકાજના દિવસોમાં ૧૪ વખત બાથરૂમ બ્રેક લીધા હતા, જેમાંથી ઘણા બ્રેક ૧ કલાકથી વધુના હતા અને એક બ્રેક તો લગભગ ૪ કલાકનો હતો. કંપનીએ સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને જોયું કે, લી કામ પર હાજર હોવા છતાં મેસેજનો જવાબ પણ આપી રહ્યો નહોતો, જ્યારે તેની નોકરી પર હાજર હોય તો તાત્કાલિક જવાબ આપવો જરૂરી હતો. કંપનીએ યુનિયનની મંજૂરી લઈને લીને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.
લીએ બરતરફી પછી દાવો કર્યો હતો કે, આ ગેરકાયદેસર બરતરફી છે અને ૩.૨ લાખ યુઆન (લગભગ ૪૧ લાખ રૂપિયા) વળતરની માંગણી કરી હતી. તેણે પુરાવા રજૂ કર્યા, જેમાં તેની પાર્ટનરે મે-જૂન ૨૦૨૪માં પાઇલ્સની દવા ઓનલાઈન ખરીદી હતી અને જાન્યુઆરી ૨૦૨૫માં તેનું ઓપરેશન પણ થયું હતું. લીનું કહેવું હતું કે, પાઇલ્સની બીમારીને કારણે તેને લાંબા સમય સુધી બાથરૂમમાં રહેવું પડતું હતું. પરંતુ કંપનીએ સીસીટીવી ફૂટેજ રજૂ કર્યા, જે દર્શાવતા હતા કે, લીના બ્રેક સામાન્ય શારીરિક જરૂરિયાત કરતાં ઘણા વધારે હતા. કોર્ટે કહ્યું કે, લીએ બ્રેકના સમયે કંપનીને પોતાની બીમારી વિશે જણાવ્યું નહોતું અને ન તો મેડિકલ રજા લીધી હતી. દવા અને ઓપરેશનના રેકોર્ડ બ્રેકના સમયગાળા પછીના હતા, તેથી તે પુરાવા નબળા પડ્યા હતા. કોર્ટે માન્યું કે, લીનું વર્તન કામમાં અવરોધ ઊભો કરી રહ્યું હતું અને કંપનીનો નિર્ણય યોગ્ય હતો.
પ્રથમ ટ્રાયલમાં લીની તમામ માંગણીઓ રદ કરવામાં આવી હતી. અપીલ પર બીજી કોર્ટે મધ્યસ્થી કરી અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું. કંપની લીની લાંબી સેવા અને બેરોજગારીની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ૩૦,૦૦૦ યુઆન (લગભગ ૩.૫ લાખ રૂપિયા) એક્સ-ગ્રેશિયા પેમેન્ટ આપવા તૈયાર થઈ હતી. આ મામલો હવે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણ કે ચીની કાર્યસ્થળોમાં કર્મચારીઓના અધિકારો અને કંપનીના નિયમો પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો કહી રહ્યા છે કે, પાઇલ્સ જેવી બીમારીમાં કર્મચારીને સપોર્ટ મળવો જોઈએ, પરંતુ લાંબા બ્રેક કોઈને જણાવ્યા વિના લેવા તે ખોટું છે. તો બીજી તરફ, કેટલાકનું માનવું છે કે સીસીટીવી દ્વારા પ્રાઇવસીનું ઉલ્લંઘન થાય છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
