<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચી સહીત બલુચિસ્તાનના અનેક પ્રાંતોમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

ભૂકંપની તીવ્રતા 5.2ની આંકવામાં આવી:ભૂકંપનું કેન્દ્ર બલુચિસ્તાનના સોનમિયાનીમાં હતું:જેની ઊંડાઈ 12 કિલોમીટર હતી અને તે કરાચીથી લગભગ 87 કિલોમીટર દૂર હતું

નવી દિલ્હી: પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીના કેટલાક વિસ્તારો તેમજ બલૂચિસ્તાન પ્રાંતના કેટલાક ભાગોમાં સોમવારે 5.2 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભૂકંપના ઝટકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જોકે હાલ સુધી જાનહાનિ અથવા ગંભીર નુકસાનના કોઈ અહેવાલ નથી.

રાષ્ટ્રીય ભૂકંપીય નિરીક્ષણ કેન્દ્ર (નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટર)ના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બલૂચિસ્તાનના સોનમિયાની વિસ્તારમાં હતું. ભૂકંપની ઊંડાઈ આશરે 12 કિલોમીટર નોંધાઈ હતી અને તેનું કેન્દ્ર કરાચીથી લગભગ 87 કિલોમીટર દૂર હતું. ઓછી ઊંડાઈ હોવાના કારણે ઝટકાઓનો અનુભવ વિશાળ વિસ્તારમાં થયો હતો.ભૂકંપના ઝટકા અનુભવાતાં જ કરાચીના અનેક વિસ્તારોમાં લોકો ઘરો અને ઇમારતોમાંથી બહાર દોડીઆવ્યા હતા. કેટલાક સમય માટે ગભરાટ અને અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. રેસ્ક્યુ 1122ના એક અધિકારીએ જણાવ્યું કે હાલ સુધી કોઈના મૃત્યુ કે ઇજાની માહિતી મળી નથી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષના જૂન અને જુલાઈ મહિનામાં કરાચીમાં અનેક વખત હળવા ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, જેના કારણે મોટા ભૂકંપની શક્યતા અંગે લોકોમાં ચિંતા વધી ગઈ હતી. તે સમયે હવામાન વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ ઝટકાઓ લાંધી વિસ્તારમાં આવેલી એક ઐતિહાસિક ફોલ્ટ લાઇન સાથે સંચિત થયેલી ભૂકંપીય ઊર્જા મુક્ત થવાના પરિણામે આવ્યા હતા.

 

(6:08 PM IST)