<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

અમેરિકામાં બેરોજગારીનું પ્રમાણ ૨૦૨૧ના સ્‍તરે પહોંચી ગયું

નવી નોકરીઓ ઘટવાની સાથે પગાર વધારો પણ ધીમો થયો : હેલ્‍થ કેરમાં નવેમ્‍બરમાં ૪૬,૩૦૦ જોબ્‍સ ઉમેરાઈ જ્‍યારે મેન્‍યુફેક્‍ચરિંગ અને વેરહાઉસીંગ જોબ્‍સમાં ઘટાડો થયો

ન્‍યુયોર્ક તા.૧૮: નવેમ્‍બર ૨૦૨૫માં યુએસમાં અનએમ્‍પ્‍લોયમેન્‍ટ રેટ વધીને ચાર વર્ષની સર્વોચ્‍ચ સપાટી પર પહોંચી ગયો છે, લેબર માર્કેટની આ સ્‍થિતિને ઈકોનોમી માટે પણ ચિતાજનક બાબત માનવામાં આવી રહી છે. ટેરિફને કારણે બિઝનેસ કોસ્‍ટમાં થયેલા વધારા ઉપરાંત ફેડરલ વર્ક ફોર્સમાં કાપ મૂકાવાને લીધે બેરોજગારોની સંખ્‍યા વધી રહી છે. ફેડરલ ગવર્મેન્‍ટ દ્વારા મંગળવારે રિલીઝ કરાયેલા ડેટા અનુસાર સપ્‍ટેમ્‍બરમાં બેરોજગારીનો દર ૪.૪ ટકા હતો જે નવેમ્‍બરમાં વધીને ૪.૬ ટકા પર પહોંચી ગયો છે.

નવેમ્‍બરમાં હેલ્‍થ કેર સેક્‍ટરમાં ૪૬,૩૦૦ નવી જોબ્‍સ ઉમેરાઈ હતી અને તે સિવાય કન્‍સ્‍ટ્રક્‍શન તેમજ રિટેલ સેક્‍ટર પણ જોબ્‍સ આપવામાં આગળ રહ્યા હતા પરંતુ મેન્‍યુફેક્‍ચરિગ, ફેડરલ ગવર્મેન્‍ટ, હોસ્‍પિટાલિટી તેમજ ટ્રાન્‍સપોર્ટેશન અને વેરહાઉસિગમાં જોબ્‍સમાં ઘટાડો થયો હતો. ટ્રમ્‍પ ભલે ટેરિફથી અમેરિકામાં મેન્‍યુફેક્‍ચરિગ વધશે તેવી વાતો કરી રહ્યા હોય પરંતુ હકીકત એ છે કે આ સેક્‍ટરમાં જોબ્‍સ સતત ઘટી રહી છે અને નવેમ્‍બરમાં પણ આ ઘટાડો યથાવત રહ્યો છે.

છેલ્‍લે સપ્‍ટેમ્‍બર ૨૦૨૧માં કોવિડ પેન્‍ડેમિકની અસરમાંથી યુએસની ઈકોનોમી રિકવર થઈ રહી હતી ત્‍યારે બેરોજગારીનો દર ૪.૬ ટકા જેટલો હતો પરંતુ હાલ આવી કોઈ સ્‍થિતિ ના હોવા છતાંય બેરોજગારી વધી રહી છે. નવેમ્‍બરમાં યુએસમાં ૬૪,૦૦૦ નવી જોબ્‍સ ઉમેરાઈ હતી જેમાં હેલ્‍થ કેર સેક્‍ટર સૌથી આગળ રહ્યું હતું પરંતુ છેલ્‍લા બે મહિનામાં ફેડરલ એમ્‍પ્‍લોઈઝની સંખ્‍યામાં ૧.૬૮ લાખનો જંગી ઘટાડો થયો હતો જેમાંના મોટાભાગનાં લોકોએ પહેલાથી જ નોકરી છોડવાની તૈયારી બતાવી હતી અને સપ્‍ટેમ્‍બર-ઓક્‍ટોબરમાં તેમની સર્વિસ સમાપ્ત થઈ હતી.

નોકરીઓ ઘટવાની સાથે અમેરિકામાં વેજ ગ્રોથ એટલે કે પગારમાં થઈ રહેલો વધારો પણ ધીમો પડી ૨૦૨૧ના સ્‍તર પર આવી ગયો છે. લોકોમાં ઈકોનોમીની સ્‍થિતિ અને ઘટી રહેલી અફોર્ડેબિલિટીને લઈને ઉચાટ વધી રહ્યો છે તેવામાં ઘટતી જોબ્‍સ સાથે ઈનકમ ગ્રોથમાં થઈ રહેલો ઘટાડો પણ ચિતાજનક બાબત છે.

એનાલિસ્‍ટ્‍સ અને પોલિસીમેકર્સને આશા છે કે મંગળવારે રિલીઝ થયેલો લેટેસ્‍ટ ડેટા જે છેલ્‍લા કેટલાક મહિનાથી ઈકોનોમીની હાલત દર્શાવતા મિક્‍સ્‍ડ સિગ્નલ્‍સ મળી રહ્યા છે તેને સ્‍પષ્ટ કરવામાં મદદ કરશે. જોકે, હાલ પણ યુએસની ઈકોનોમી કઈ સ્‍થિતિમાંથી પસાર થઈ રહી છે અને આગામી દિવસોમાં તેની શું હાલત હશે તેને લઈને કોઈ ક્‍લિયર પિક્‍ચર નથી મળી રહ્યું.

મંગળવારે આવેલા જોબ રિપોર્ટથી એ બાબત પણ સ્‍પષ્ટ થઈ ગઈ છે કે અમેરિકામાં હાલ લેબર માર્કેટ કોલાપ્‍સ નથી થઈ રહ્યું પરંતુ તે ખૂબ જ નાજુક સ્‍થિતિમાં છે અને માર્કેટ જે મિક્‍સ્‍ડ સિગ્નલ આપી રહ્યું છે તેનાથી એવો પણ અંદાજ લગાવાઈ રહ્યો છે કે ભવિષ્‍યની આર્થિક સ્‍થિતિના આધારે સ્‍થિતિ સુધરી શકે છે કે પછી બગડી શકે છે. 

(10:06 AM IST)