<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

રશિયામાં રોબોક્સ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

રોબ્લોક્સ ગેમિંગની દુનિયામાં ખૂબ જ મોટું નામ છે: રશિયા દ્વારા આ મહિને જ એને બ્લોક કરી દેવામાં આવી છે:બાળકો ફ્રસ્ટ્રેટ થતાં તેમણે પ્રેસિડન્ટ વ્લાદિમિર પુટિનને એને ફરી શરૂ કરવા વિનંતી કરવાની શરૂ કરી છે

નવી દિલ્હી:  રશિયાના બાળકો દ્વારા હાલમાં જ તેમના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુટિનને એક વિચિત્ર વિનંતી કરવામાં આવી રહી છે. તેઓ ડિમાન્ડ કરી રહ્યાં છે કે ગેમિંગ પ્લેટફોર્મ રોબ્લોક્સને ફરી શરૂ કરવામાં આવે. રોબ્લોક્સ ગેમિંગની દુનિયામાં ખૂબ જ મોટું નામ છે. આ એક કેલિફોર્નિયાની કંપની છે અને એના પર બાળકો તેમની ગેમ પોતે બનાવીને એને શેર પણ કરી શકે છે. જોકે રશિયા દ્વારા આ મહિને જ એને બ્લોક કરી દેવામાં આવી છે. ત્રીજી ડિસેમ્બરે બાળકોને ખબર પડી હતી કે તેઓ રોબ્લોક્સને એક્સેસ નથી કરી શકતા. આથી તેઓ ફ્રસ્ટ્રેટ થતાં તેમણે પ્રેસિડન્ટ વ્લાદિમિર પુટિનને એને ફરી શરૂ કરવા વિનંતી કરવાની શરૂ કરી છે. જોકે રશિયાના સ્ટેટ મીડિયા રેગ્યુલેટર રોસ્કોમનાડ્ઝોર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ગેમિંગ કંપની બાળકોને નુકસાન કરી રહી હોવાથી એને બંધ કરવામાં આવી છે. એનું કન્ટેન્ટ બાળકોને નુકસાન કરનારું છે. તેમ જ તેઓ LGBT પ્રોપેગેન્ડા ચલાવે છે અને એની બાળકોના પર સ્પિરિચ્યુઅલી ખોટી અસર પડે છે. તેમ જ બાળકોના ડેવલપમેન્ટ પર પણ અસર પડી રહી છે.
રોબ્લોક્સ કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે ઓનલાઇન વીડિયો ગેમ નથી પણ એક વિશાળ ડિજિટલ બ્રહ્માંડ છે. જી, હાં બ્રહ્માંડ, કેમ કે જે રીતે બ્રહ્માંડમાં લાખો-કરોડો ગેલેક્સીઓ હોય છે અને એ ગેલેક્સીઓમાં વળી લાખો-કરોડો ગ્રહો-ઉપગ્રહો હોય છે એ જ રીતે રોબ્લોક્સ પણ એક એવું ગેમિંગ પ્લેટફોર્મ છે જેમાં એકની અંદર બીજી અને બીજીની અંદર ત્રીજી એમ લાખો-કરોડો ગેમ્સ છે. આ પ્લેટફોર્મ પર 4 કરોડથી વધારે વિવિધ પ્રકારની રમતો ઉપલબ્ધ છે, અને યુઝર્સ એમાં પોતાની ગેમ્સ ઉમેરતા જતાં હોવાથી ગેમ્સની સંખ્યામાં દરરોજ વધારો થતો રહે છે. આ પ્લેટફોર્મ પર મફતમાં ગેમ્સ રમવા મળતી હોવાથી પણ એ ઝડપથી લોકપ્રિય થયું છે. એનો ઉપયોગ સ્માર્ટફોન, ટેબ્લેટ, કમ્પ્યુટરથી લઈને એક્સબોક્સ, પ્લેસ્ટેશન અને મેટા ક્વેસ્ટ જેવા વિવિધ ગેમિંગ ઉપકરણો પર કરી શકાય છે. દરરોજ 8 કરોડથી વધુ લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.
રશિયા દ્વારા હાલમાં ડિજિટલ કન્ટ્રોલ પર વધુ ભાર આપવામાં આવી રહ્યું છે. ફોરેન ટેક્નોલોજી અને પ્લેટફોર્મ માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવી રહ્યાં છે તેમ જ તેની જગ્યાએ સ્થાનિક પ્લેટફોર્મ અને કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

 

(6:35 PM IST)