<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

ઈરાનમાં ઇસ્લામિક શાસન સામે લોકોએ ઉઠાવ્યો બળવો

કટ્ટરવાદી ઇસ્લામિક શાસન વિરુદ્ધ લોકોનો રોષ ભડકી ઉઠ્યો:લાખો લોકો રસ્તા પર ઉતર્યા:લોકોના બળવા વચ્ચે સગીરાઓ બુરખા કાઢીને પોતાનો ચહેરો ખુલ્લો કરીને તથા વાળ આગળની બાજુ રાખીને વિરોધ નોંધાવી રહી છે

નવી દિલ્હી: ઈરાનમાં દાયકાઓથી અમેરિકાના આર્થિક પ્રતિબંધો, આ વર્ષે ઈઝરાયેલ તથા અમેરિકાના હુમલાના પગલે અર્થતંત્ર તળીયે જઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનેઈના કટ્ટરવાદી ઈસ્લામિક શાસન વિરુદ્ધ લોકોનો રોષ ભડકી ઊઠયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઈરાનના અનેક શહેરોમાં ખામેનેઈના નેતૃત્વના ધાર્મિક શાસન વિરુદ્ધ સૌથી મોટો બળવો થયો છે. બીજીબાજુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાન પર વધુ ભયાનક હુમલા કરવાની ધમકી આપી છે. સામે છેડે પ્રમુખ પેઝેશકિયને પણ અમેરિકાને 'આકરો' જવાબ આપવાની ચેતવણી આપી છે.
ઈરાનમાં અમેરિકાના આર્થિક પ્રતિબંધો વચ્ચે અર્થતંત્ર પાયમાલ થઈ ગયું છે ત્યારે તાજેતરમાં ઈરાનના ચલણ રિયાલની કિંમત અમેરિકન ડોલરની સરખામણીમાં વિક્રમી નીચા સ્તરે પહોંચી ગઈ છે. મોંઘવારીનો દર 42.2 ટકા થઈ ગયો છે, જેમાં ખાદ્ય પદાર્થોના ભાવ 72 ટકા વધી ગયા છે. આર્થિક ભીંસ વચ્ચે સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના નેતૃત્ત્વના ધાર્મિક શાસનના સામાજિક અને જાહેર પ્રતિબંધોના કારણે ઈસ્લામિક શાસન વિરુદ્ધ લોકોનો રોષ ભભૂકી ઉઠયો છે.
તેહરાનના ગ્રાન્ડ બજારથી શરૂ થયેલા દેખાવો હવે મશહદ, ઈસ્ફહાન, શિરાજ, હમદાન સહિત અનેક શહેરોમાં ફેલાયા છે. ઈરાની -અમેરિકન પત્રકાર મસીહ અલીનેઝાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, ઈરાનથી આવી રહેલા અનેક વીડિયોમાં લોકો એક સ્વરે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે, મુલ્લાઓએ ઈરાન છોડવું પડશે અને તાનાશાહી મુર્દાબાદ. આ એ જનતાનો અવાજ છે, જે હવે ઈસ્લામિક રિપબ્લિક નથી ઈચ્છતી. અનેક સૂત્રોએ એવો પણ દાવો કર્યો કે આ દેખાવોમાં ખામેનેઈ વિરુદ્ધ સૂત્રોચ્ચારની સાથે પૂર્વ રાજા શાહના સમર્થનમાં પણ સૂત્રોચ્ચાર થયો હતો.
આ દેખાવો ઓછા હોય તેમ ઈરાનમાં મહિલાઓ અને સગીરાઓએ જાહેરમાં બુરખા પહેરી ચહેરો ઢાંકી રાખવાના ઈસ્લામિક નિયમો સામે અવાજ ઉઠાવ્યો છે. લોકોના બળવા વચ્ચે સગીરાઓ બુરખા કાઢીને પોતાનો ચહેરો ખુલ્લો કરીને તથા વાળ આગળની બાજુ રાખીને વિરોધ નોંધાવી રહી છે.
ઈરાની પ્રવાસીઓ દ્વારા શૅર કરવામાં આવેલી એક તસવીરમાં તહેરાનના એક હાઈવે પર એક વ્યક્તિ એકલી, શાંત બેઠેલી જોવા મળે છે જ્યારે મોટરસાઈકલ પર સવાલ સુરક્ષા દળના કર્મચારીઓ તેના તરફ આગળ વધી રહ્યા છે. યુનાઈટેડ અગેઈન્સ્ટ ન્યૂક્લિયર ઈરાનના પોલિસી ડિરેક્ટર જેસન બ્રોડસ્કીએ આ તસવીરની સરખામણી ૧૯૮૯ના તિયાનમેન સ્ક્વેર આંદોલનની પ્રખ્યાત તસવીર 'ટેંકમેન' સાથે કરી હતી.  સૂત્રોએ જણાવ્યું કે, ૯.૨ કરોડથી વધુ વસતીવાળા આ દેશમાં આર્થિક પાયમાલી અને કાયદો-વ્યવસ્થાની બગડતી સ્થિતિએ ખામેનેઈ શાસન માટે ગંભીર સંકટ ઊભું કરી દીધું છે. આ સંકટ એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન પહેલાથી જ તેના પરમાણુ સ્થળો પર ઈઝરાયેલ અને અમેરિકાના હુમલા તથા ટ્રમ્પની 'મહત્તમ દબાણ નીતિ'નો સામનો કરી રહ્યું છે.

 

(5:35 PM IST)