News of Wednesday, 7th January 2026
કોટંબી સ્ટેડિયમમાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચની તૈયારી :બરોડા ક્રિકેટ એસોસિએશન અને રેન્જ IGએ સુરક્ષાની સમીક્ષા કરી
કોહલી અને રોહિત શર્મા જેવા વર્લ્ડક્લાસ ખેલાડીઓ રમવા હોવાથી ફેન્સમાં ઉત્સાહ:30 હજારની ક્ષમતા ધરાવતા કોટંબી સ્ટેડિયમમાં તમામને ટિકિટ આપવી અશક્ય

વડોદરા : આગામી 11 જાન્યુઆરીના રોજ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખી સુરક્ષા, ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થાની વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી. લાંબા વર્ષો બાદ વડોદરામાં આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની હોવાથી પોલીસ અને વહીવટી તંત્ર માટે આ એક મોટો પડકાર હોવાનું રેન્જ IG સંદીપ સિંઘે જણાવ્યું હતું.
બુધવારે કોટંબી સ્ટેડિયમ ખાતે યોજાયેલી બેઠકમાં બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ના પ્રમુખ પ્રણવ અમિન, રેન્જ IG સંદીપ સિંઘ, SP સહિત પોલીસ વિભાગ અને સંબંધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ બેઠક દરમિયાન ટ્રાફિક ફ્લો, પાર્કિંગ વ્યવસ્થા, હાઇવે મેનેજમેન્ટ, દર્શકોની સલામતી તેમજ ઇમરજન્સી પરિસ્થિતિમાં લેવામાં આવનાર પગલાં અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
રેન્જ IG સંદીપ સિંઘે જણાવ્યું હતું કે,'લગભગ 15 વર્ષ પછી વડોદરામાં આંતરરાષ્ટ્રીય મેચ આવી રહી છે અને સ્ટેડિયમ હાઉસફુલ રહેવાની સંભાવના છે. તેથી ટ્રાફિકનું સંચાલન સુચારુ રહે તે માટે વડોદરા સિટી પોલીસ સાથે નજીકથી સંકલન કરવામાં આવ્યું છે. પૂરતી પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી કોઈ પણ વાહન રોડ પર પાર્ક ન થાય.
સ્ટેડિયમના સંપૂર્ણ લેઆઉટનો અભ્યાસ કરીને સેક્શન-વાઇઝ બંદોબસ્ત ગોઠવાયો છે. દર્શકો કઈ વસ્તુ સ્ટેડિયમની અંદર લઈ જઈ શકશે નહીં, તેની સ્પષ્ટ જાહેરાત પાર્કિંગ એરિયામાં જ કરવામાં આવશે.
આ બેઠકમાં હાઇવે પર વાહન વ્યવહાર અટકી ન પડે તે માટે વિશેષ આયોજન, શટલ સર્વિસ, વીઆઇપી અને સામાન્ય દર્શકો માટે અલગ પ્રવેશ-બહાર ની વ્યવસ્થા તેમજ CCTV અને સુરક્ષા ચેકિંગ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અને BCA દ્વારા તૈયાર કરાયેલ સંયુક્ત અને વ્યવસ્થિત બંદોબસ્તથી દર્શકોને સુરક્ષિત તથા આનંદદાયક માહોલમાં મેચ જોવાનો અવસર મળશે એવો વિશ્વાસ અધિકારીઓએ વ્યક્ત કર્યો હતો.
BCA પ્રમુખ પ્રણવ અમિને જણાવ્યું હતું કે, વર્ષોથી વડોદરામાં મેન્સ સિનિયર આંતરરાષ્ટ્રીય મેચ આવી ન હતી. નવા કોટંબી સ્ટેડિયમમાં આ પ્રથમ મેન્સ મેચ છે, તેથી તૈયારીઓ લાંબા સમયથી ચાલી રહી છે. મેનેજમેન્ટ, સેફ્ટી, હાઇવે મેનેજમેન્ટ, પ્લેયર સેફ્ટી અને ટ્રાન્સપોર્ટેશન સહિતના તમામ પાસાઓ પર ચર્ચા થઈ છે.
સ્ટેડિયમની ક્ષમતા આશરે 30 હજારની છે, જ્યારે વડોદરાની વસ્તી 25 લાખથી વધુ છે, તેથી તમામને ટિકિટ આપવી શક્ય નથી. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા વિશ્વસ્તરના ખેલાડીઓ રમવાના હોવાથી દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.”
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
