<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

ઈરાન-અમેરિકા વચ્ચે વધી રહેલ તણાવને પગલે કતારે આપી અમેરિકાને આ ચેતવણી


જો પાડોશી દેશ ઈરાન પર હુમલો થશે તો પરિણામો સમગ્ર ક્ષેત્ર માટે વિનાશકારી થશે તેવી કતારની ચેતવણી:ઈરાનમાં ચાલી રહેલ પ્રદર્શનોમાં મ્રુતકઆંક અંગે જુદા જુદા દાવા કરવામાં આવી રહ્યા છે
નવી દિલ્હી: ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવને પગલે પશ્ચિમ એશિયાના મહત્વના દેશ કતારે અમેરિકાને સ્પષ્ટ ચેતવણી આપી છે. કતારે જણાવ્યું હતું કે જો અમેરિકા તેના પાડોશી દેશ ઈરાન પર હુમલો કરશે તો તેના પરિણામો સમગ્ર ક્ષેત્ર માટે વિનાશકારી હશે. દોહામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજેદ અલ-અંસારીએ બે ટુકા શબ્દોમાં કહ્યું કે,'અમે જાણીએ છીએ કે કોઈપણ પ્રકારનો તણાવ... આ ક્ષેત્ર અને તેની બહાર વિનાશકારી પરિણામો લાવશે, અને તેથી અમે તેનાથી શક્ય હોય તેટલું બચવા માંગીએ છીએ.' આ ઉપરાંત તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈપણ સૈન્ય તણાવના ગંભીર પરિણામો આવી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વોશિંગ્ટન દ્વારા ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર સરકારી કાર્યવાહીના જવાબમાં હુમલાની ધમકી આપવામાં આવી છે.
આ સાથે સાઉદી અરબ, ઓમાને પણ કતારના સુરમાં સુર મિલાવતા કહ્યું કે ઈરાની શાસનને પાડી દેવાની કોશિશ વૈશ્વિક ઓઈલ બજારને અસ્થિર કરી દેશે અને છેવટે તેના પરિણામ અમેરિકાના અર્થતંત્રે જ ભોગવવા પડશે.
કતારની આ ચિંતા પાછળ એક મોટું કારણ તેનો ભૂતકાળનો અનુભવ છે. ગયા વર્ષે જૂન મહિનામાં જ્યારે અમેરિકાએ ઈરાની પરમાણુ સુવિધાઓ પર હુમલો કર્યો હતો, ત્યારે ઈરાને બદલામાં કતારમાં આવેલા અમેરિકાના 'અલ ઉદીદ' સૈન્ય મથકને નિશાન બનાવ્યું હતું. તે સમયે દોહાએ પોતાના ક્ષેત્ર પર થયેલા આ અભૂતપૂર્વ હુમલાનો ઉપયોગ વોશિંગ્ટન અને તહેરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવા માટે કર્યો હતો. કતારને ડર છે કે જો અમેરિકા ફરીથી ઈરાન પર હુમલો કરશે, તો ઈરાન ફરીથી કતારમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવી શકે છે, જેનાથી કતાર સીધું જ યુદ્ધમાં ધકેલાઈ શકે છે.
હાલમાં ઈરાન આંતરિક વિરોધ પ્રદર્શનોની આગમાં સળગી રહ્યું છે. આ હિંસક પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં સુરક્ષાકર્મીઓ અને સામાન્ય નાગરિકો સહિત 2000 લોકોના મોત થયા છે. આ પરિસ્થિતિ વચ્ચે, વ્હાઇટ હાઉસે સોમવારે ફરી પુનરોચ્ચાર કર્યો કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રદર્શનકારીઓ પરની કાર્યવાહી રોકવા માટે ઈરાન પર હવાઈ હુમલા કરવા અંગે વિચાર કરી રહ્યા છે.

 

(12:21 PM IST)