<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

ટ્ર્મપે 8હજાર સૈનિકો અને 70 ફાઈટર જેટથી સજ્જ અબ્રાહમ લિંકન' જહાજ ઈરાન તરફ રવાના કરતા મધ્ય પૂર્વમાં સર્જાઈ તંગદિલી

ટ્ર્મપે ઈરાન પર નવા આર્થિક પ્રતિબંધો પણ મુક્યા:ઈરાને પણ અમેરિકાને કોઈપણ હુમલાના જવાબમાં મધ્ય-પૂર્વમાં અમેરિકાના બધા જ સૈન્ય બેઝને તબાહ કરી દેવાની ધમકી આપી છે

નવી દિલ્હી: ઈરાનમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધનું આંદોલન કચડી નાંખવા સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલિ ખામેનેઈએ બળપ્રયોગ કરતા હજારો નાગરિકો માર્યા ગયા છે, જેને પગલે દેખાવકારોના સમર્થનમાં આગળ આવતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૮,૦૦૦ સૈનિકો અને ૭૦ ફાઈટર જેટથી સજ્જ 'અબ્રાહમ લિંકન' જહાજ ઈરાન તરફ રવાના કરતા ફરી એક વખત મધ્ય-પૂર્વમાં તંગદિલી સર્જાઈ છે. વધુમાં ટ્રમ્પે ઈરાન પર નવા આર્થિક પ્રતિબંધો મૂકી દીધા છે. બીજીબાજુ ઈરાને અમેરિકાને કોઈપણ હુમલાના જવાબમાં મધ્ય-પૂર્વમાં અમેરિકાના બધા જ સૈન્ય બેઝને તબાહ કરી દેવાની ધમકી આપી છે.

ઈરાનમાં ડિસેમ્બર અંતમાં મોંઘવારી, આર્થિક સંકટ અને સામાજિક નિયંત્રણો સામે શરૂ થયેલા દેખાવો જોત જોતામાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ મહાકાય આંદોલનમાં ફેરવાઈ ગયા છે. ઈરાનમાં જનતાના વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. ઈરાને ગુરુવારે દિવસ દરમિયાન તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી, પરંતુ મોડી રાતે તેને ખોલી નાંખી હતી. ઈરાનમાં જનતા પર ઈસ્લામિક શાસનના અત્યાચારો વધી રહ્યા છે ત્યારે અમેરિકાએ સાઉથ ચીન દરિયામાં તેના સૈન્ય જહાજોના બેડામાંથી 'અબ્રાહમ લિંકન' જહાજને મધ્ય-પૂર્વ તરફ રવાના કર્યું છે. ટ્રમ્પના આ પગલાંથી મધ્ય-પૂર્વમાં યુદ્ધ મુદ્દે તંગદિલી વધવા લાગી છે. અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ ટ્રમ્પે મધ્ય-પૂર્વમાં રવાના કરેલા જંગી જહાજ બેડાનું નેતૃત્વ એરક્રાફ્ટ કેરીયર અબ્રાહમ લિંકન કરી રહ્યું છે. તેની સાથે અનેક ફ્રિગેટ અને એક પરમાણુ સબમરીન પણ છે. અબ્રાહમ લિંકન ૮,૦૦૦ સૈનિકો અને ૭૦ ફાઈટર જેટથી સજ્જ છે. આ જહાજને મધ્ય-પૂર્વમાં પહોંચતા લગભગ એક સપ્તાહનો સમય લાગી શકે છે. 

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર મોકલવાનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ઈરાનમાં મોંઘવારી, બેરોજગારી અને ખરાબ આર્થિક સ્થિતિ અંગે દેખાવો ચરમસીમા પર છે. ટ્રમ્પના સૈન્ય કાર્યવાહીના સંકેતો વચ્ચે માનવાધિકાર સંગઠન એચઆરએએનએના અહેવાલ મુજબ ઈરાનમાં વિરોધ પ્રદર્શન ૧૮મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે. ઈરાનમાં અત્યાર સુધીમાં ૧૮૭ શહેરોમાં ૬૦૦થી વધુ દેખાવો થયા છે, જેમાં ૧૮,૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે અને ૩,૪૦૦થી વધુ લોકોનાં મોતની પુષ્ટી થઈ ગઈ છે. કેટલાક મીડિયા અહેવાલોમાં આ દેખાવોમાં ૧૨,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હોવાનો દાવો કરાયો છે, પરંતુ તેની પુષ્ટી થઈ શકી નથી.

 

(5:11 PM IST)